આ વર્ષે ભક્તો માટે બે મહિના શ્રાવણ ના આવ્યા છે એક અધિક શ્રાવણ માસ અને દર વર્ષે આવતો પવિત્ર શ્રાવણ. કેટલાક ભકતો એકટાંણુ જમે, કેટલાક ફક્ત ફરાળ પર જ આખોય શ્રાવણ ભજે.
ઉપવાસ અને ફરાળમાં પણ મોર્ડનાઈઝેશન
ભૂખે ભજન ના થાય એટલે કાંઈક આરોગવું પડે એટલે પહેલાં ફરાળની વાત આવે એટલે સુકી ભાજી , રાજગરાનો સીરો પુરી, મોરૈયો અને બફ વડા સુધી ફરાળ સિમિત હતું. પણ હવે શ્રાવણ ના ઉપવાસ અને ફરાળમાં પણ મોર્ડનાઈઝેશન થયું છે. બદલાતા સમય સાથે ફરાળી વાનગીઓ પણ અપગ્રેડ બની છે. ઇન્ટરનેશનલ વિખ્યાત ફૂડ આઈટમોનું પણ ફરાળી સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. મન્ચુરિયન, પાસ્તા, મોમોઝ, નુડલ્સથી લઈને પિત્ઝા પણ હવે ફરાળી સ્વરૂપે વેચાતા થયા છે. જ્યારે બીજુ બાજુ આજે પણ હોમ મેડ ફરાળનું ચલણ પણ સતત વધતું જાય છે.
ફાસ્ટફૂડે હવે ફરાળનું સ્વરૂપ લીધું
યંગ જનરેશનને ઉપવાસ કરી ભક્તિમય બનવું છે..પરંતુ કેટલાક ને એક દિવસ પણ સ્વાદિષ્ટ વાનગીઓ વગર ચાલતું નથી. માટે જ સામાન્ય દિવસોમાં મળતા ફાસ્ટફૂડે હવે ફરાળનું સ્વરૂપ લીધું છે. આ શબ્દો છે બદલાતા ટ્રેન્ડ બાબતે અમદાવાદના ફૂડ એક્સપર્ટ દિવ્યા દિપક ઠક્કરના. ચિત્રલેખા.કોમને કહે છે, યંગસ્ટર્સ શિવજી પ્રત્યે પોતાની ભક્તિ પ્રગટ કરવા આખો શ્રાવણ માસ પ્રયાસ કરે છે. પરંતુ એમને જૂના ઢબની ફરાળી આઈટમો આરોગવી થોડી મુશ્કેલ લાગે છે. આવા યુવાનો માટે જ હેલ્ધી અને સ્વાદિષ્ટ ફરાળ માર્કેટમાં આવ્યા છે. હું તમામ પ્રકારના ફરાળી ફૂડ બનાવું છું, પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખું છે કે એ હેલ્ધી હોય. જેમ કે ફરાળી મન્યુરિયનમાં દૂધી, સુરણ, રાજગરા, શિંગોડા અને આરાના લોટના ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે મોમોઝ આજકાલ યુવાનોનું ફેવરીટ વ્યંજન છે, પછી એ ઉપવાસમાં કેમ પાછળ રહી જાય. આમ તો મોમોઝ મેંદાના લોટ બને છે. પરંતુ ફરાળ માટે મેંદાની જગ્યાએ ફરાળી લોટ, બાફેલા બટેકા અને શેકેલા સીંગદાળાનો ઉપયોગ કરવામાં આવે છે. ફરાળી નૂડલ્સમાં ટામેટા, સાબુદાણાની ચકરી હોય છે. અને એને મસાલા નાખી મજેદાર બનાવાય છે. ફરાળી પાસ્તા પણ યંગસ્ટર્સ ઉપવાસમાં ખાઈ રહ્યા છે. પાસ્તા સમગ્ર વિશ્વમાં ફેમસ ફાસ્ટ ફૂડ છે. એના ફરાળી વર્ઝનમાં બટેટા અને સાબુદાણાની ડ્રાય વેફર સળી હોય છે.
બેસ્ટ તો ફરાળી થાળી જ..
ફરાળી ફૂડ વિશે વધૂ વાત કરતા દેવલ વ્યાસ કહે છે, માર્કેટમાં ફરાળી ફૂડમાં અનેક નવી વેરાયટી આવી છે. પરંતુ મારું માનવું છે કે બેસ્ટ તો ફરાળી થાળી છે. જેમાં ફરાળી થેપલા, ફરાળી લોટના ઢોકળા , કઢી, મૌરેયાનો મસાલાવાળો ઉપમા, અંજીર ડ્રાયફૂટની ખીર, બટાકા- કોઠમીરની સુકીભાજી, વગેરે છે. આ ઉપરાંત પણ યુવાનોમાં સેન્ડવીચ, સ્પ્રીંગરોલ, કોકોનેટ હલવો, રાજગરાના પરાઠા, કોઠમીરના થેપલા ફેવરીટ છે.
ઉપવાસમાં જો ગમે તે ફૂડ ખાવામાં આવે તો શરીરને નુકશાન થાય છે. પરંતુ મોરૈયો, રાજગરો, શીંગોડાનો લોટ, શ્રીફળ (કોકોનેટ) બધાની અંદર ભરપુર પ્રમાણમાં કેલ્શિયમ, વિટામિન્સ, પ્રોટીન, મીનરલ્સ, આયર્ન હોય છે. આ ઉપરાંત હેલ્થ માટે કોથમીર પણ ઘણી સારી છે.
ફરાળી વાનગીઓ ના બજાર મોડી રાત સુધી ચાલે છે
અમદાવાદ શહેરમાં ફરાળી વાનગીઓ અને ફરસાણના બજાર મોડી રાત સુધી ચાલે છે. લોકો અવનવી ફરાળી વાનગીઓનો ચટાકો માણે છે. મણીનગરના ફરસાણના વેપારી રસીકભાઇ માલપાણી ચિત્રલેખા.કોમને કહે છે, હવે ગુજરાતમાં જેટલી નોન-ફરાળી વાનગીઓ બને છે એટલી જ ફરાળી વાનગીઓ પણ બને છે, પીત્ઝા, બર્ગર અને દાબેલી પણ આ રેસમાં છે. જૂના સમયમાં ફરાળમાં ફળો ખવાતા, પછી મૌરેયો, રાજગરો, શીંગોડાનો લોટ, સાબુદાણા, બટેટા, શક્કરિયા, રતાળુ, સુરણનું આગમાન થયું અને હવે આ બધાથી અવનવી ફરાળી વાનગી બની રહી છે. અમારા ત્યાં ગરમાગરમ બફવડા, પેટિસ, ઢોકળા, ઢોંસા, રાજગરાના ગોટો, પુલાવ અને ભેળ જેવી અનેક ફરાળી વાનગીઓ બને છે. જ્યારે સુકા ફરાળમાં લીલો ચેવડો, સાબુદાણાનો ચેવડો, ફરારી વડા, ફુલવડી, અને કેળાની વેફરનું ધૂમ વેચાણ થાય છે.
આ વર્ષે ઉપવાસ ના બે મહિના આવતા હોવાથી ફૂડ સ્ટોલ, રેસ્ટોરન્ટ અને હોટલ બિઝનેસ સાથે સંકળાયેલા લોકો પહેલેથી જ સજ્જ થઈ ગયા હતા. મોટા ભાગના ફૂડ બિઝનેસ સાથે સંકળાયેલા લોકોની હાટડી દુકાન ફરસાણ સ્વિટ માર્ટ કે રેસ્ટોરન્ટ પર ફરાળની વિવિધ વાનગીઓ ના બેનર્સ બોર્ડ લખાણો જોવા મળી રહ્યા છે. ભક્તોના ઉપવાસમાં પેટપુજા માટે હવે ફરાળ માં પણ ફ્યુજન જોવા મળી રહ્યું છે.
પ્રજ્ઞેશ વ્યાસ