રાજકારણમાં નહીં, પણ નરેશ પટેલની રાજકીય એકેડેમીની જાહેરાત

અમદાવાદઃ રાજ્યના રાજકરણમાં પ્રવેશ કરવો કે નહિ તે અંગેના નિર્ણયની લાંબા સમયથી ચાલતી અટકળોનો અંત આવ્યો છે. ખોડલધામના પ્રમુખ નરેશ પટેલં પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે હું હાલ સક્રિય રાજકારણમાં નહીં જોડાઉં. તેમણે એ પણ જણાવ્યું હતું કે તેઓ રાજકારણમાં નથી આવવા માગતા અને યુવાનો આગળ વધે તેવા પ્રયાસો ખોડલધામના નેજા હેઠળ કરવા માગે છે.

ખોડલધામ સંસ્થા વિશ્વ સ્તરે પહોંચી છે અને અહીં તમામ સમાજમાં લોકો અહીં આવે છે. જેમનો આભાર માનું છું. મૂળ વાત રાજકારણમાં પ્રવેશવાની છે. મેં આ વિચાર સમાજ વચ્ચે મૂક્યો ત્યારે લોકોએ લાગણી દર્શાવી હતી કે સમાજને પણ આ અંગે પૂછવું જોઈએ. આ અંગે અમે સર્વે પણ કરાવ્યો હતો. આ સર્વેમાં વડીલો ઘણી ચિંતા કરે છે, બહેનો અને યુવાનો હજી ઇચ્છે છે કે હું રાજકારણમાં આવું. ત્યારે મને જણાવતાં આનંદ થાય છે કે  ખોડલધામના નેજા હેઠળ રાજકીય એકેડમીની જાહેરાત કરીએ છીએ. આમાં અમે તમામ સમાજના યુવાનોને આવકારીએ છીએ,

રાજકારણમાં એક પાર્ટી સાથે જોડાવ, તો એ પાર્ટીની વિચારધારા પ્રમાણે ચાલવું પડે. ખોડલધામના ઘણા પ્રકલ્પો જેવા કે શિક્ષણ, આરોગ્ય અને ખેતી હજી બાકી છે, ત્યારે તેમને વેગ આપું અને દરેક સમાજના લોકોને લાભ મળે તેવી કરવું છે. જેથી હું રાજકારણમાં મારો પ્રવેશ હાલ પૂરતો મોકૂફ રાખું છું, એમ તેમણે કહ્યું હતું.

છેલ્લા છ મહિનાથી નરેશ પટેલના રાજકરણના પ્રવેશ અંગે અનેક વાતો થઈ રહી હતી. જોકે નરેશ પટેલ હંમેશા કહેતા આવ્યા હતા કે સમાજ કહેશે એમ કરીશ- એમ કહીને સર્વેનાં પરિણામો પર નિર્ણય છોડ્યો હતો.

નરેશ પટેલે 27 ફેબ્રુઆરીએ પ્રથમ વખત રાજકારણ પ્રવેશવાની વાત કરી હતી. ત્યારે આજે આ તમામ રાજકીય અટકળોનો અંત આવ્યો છે.