કોંગ્રેસ, બીજેપીને નહીં, AAPને વોટ-આપજોઃ કેજરીવાલ (ભરૂચની-રેલીમાં)

ભરૂચઃ આ વર્ષના અંતભાગમાં ગુજરાતમાં નિર્ધારિત વિધાનસભા ચૂંટણી પૂર્વે આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે આજે ભરૂચ જિલ્લાના ચંદેરિયા ખાતે વિશાળ જનસભાને સંબોધી હતી. આદિવાસી ભીલ વિસ્તારમાં આ સભામાં એમણે 76 વર્ષીય વિધાનસભ્ય છોટુભાઈ વસાવાની ભારતીય ટ્રાઈબલ પાર્ટી (બીટીપી) સાથે ચૂંટણી જોડાણ કરવાની જાહેરાત કરી હતી. વસાવા 1990ની સાલથી ઝગડિયાના વિધાનસભ્ય છે. કેજરીવાલે રેલીમાં લોકોને અપીલ કરી હતી કે, ‘આ વખતની ચૂંટણીમાં તમે કોંગ્રેસને મત આપશો તો એનો કોઈ અર્થ નથી, તમે આમ આદમી પાર્ટીને વોટ આપજો અને ભારતીય જનતા પાર્ટીનો અહંકાર તોડી નાખજો.’

‘તમે ભાજપને રાજ કરવા બીજા પાંચ વર્ષ આપશો તો એ લોકો કંઈ નહીં કરે… ગુજરાતમાં કંઈ સુધારો નહીં આવે. અમને એક તક આપી જુઓ… જો અમે બધી શાળાઓમાંની પરિસ્થિતિ સુધારી ન દઈએ તો અમને કાઢી મૂકજો… ભાજપવાળાઓને અમારાથી ડર લાગે છે… એ લોકો કહે છે, જો અમને (AAPને) ડિસેમ્બર સુધીનો સમય મળશે તો તેઓ (ભાજપ) ગુજરાતમાં હારી જશે. એટલે તેઓ અત્યારે જ – વહેલી ચૂંટણી યોજવા માગે છે. શાસક ભાજપ અને વિરોધ પક્ષ કોંગ્રેસ રાજ્યમાં ધનવાનોની પાર્ટી રહી છે… એમણે ધનવાનોને વધારે ધનવાન બનાવ્યા… જ્યારે અમારી પાર્ટી વસાવા, બીટીપી અને રાજ્યના ગરીબ લોકોની સાથે છે. અમને એક તક આપો, અમે તમારી ગરીબી દૂર કરીશું, તમારા બાળકોને શિક્ષિત કરીશું, હોસ્પિટલો બનાવીશું અને તમને રોજગાર આપીશું.’ એમ કેજરીવાલે વધુમાં કહ્યું હતું.

2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં બીટીપી પાર્ટીએ કોંગ્રેસ સાથે જોડાણ કર્યું હતું અને બે બેઠક જીતી હતી.

(તસવીર સૌજન્યઃ @AamAadmiParty)