સામૂહિક બળાત્કાર, હત્યા કેસમાં ત્રણ જણને ફાંસીની સજા

ખેડાઃ કપડવંજ સેશન્સ કોર્ટે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કપડવંજના નિરમાલી ગામની સીમમાં મહિલા પર થયેલા ગેંગરેપ અને હત્યા કેસમાં સેશન્સ કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે. વર્ષ 2018માં પરીણિત મહિલા પર ત્રણ વ્યક્તિએ ગેંગ રેપ ગુજાર્યો હતો. એ પછી આ નરાધમોએ મહિલાની હત્યા કરી નાખી હતી.

કપડવજં તાલુકાના નિરમાલી ગામની ઘટનામાં ભત્રીજાએ બે સાથીઓ સાથે મળીને પરિણીતા સાથે દુષ્કર્મ આચર્યા બાદ હત્યા કરી નાખી હતી

આ કેસમાં સરકારી વકીલ મિનેષ પટેલે 26 લોકોની જુબાની અને 45 દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ વી‌.પી અગ્રવાલે આ ચુકાદો આપ્યો હતો, જે આરોપીને ફાંસીની સજા થઈ છે, તેમાં ગોપી ઉર્ફે ભલા દેવીપૂજક, જયંતી બબાભાઈ વાદી અને લાલો ઉર્ફે કંકુડિયો રમેશભાઈ વાદીનો સમાવેશ થાય છે.

પ્રાપ્ત માહિતી અનુસાર કપડવંજના મોટી ઝેર પાસે અંગત અદાવતમાં યુવતીનું અપહરણ કરી નિરમાલી સીમમાં સામૂહિક બળાત્કાર કરીને તેની હત્યા કરવામાં આવી હતી. ત્યાર બાદ આ મહિલાની નગ્ન હાલતમાં લાશને એક ખેતરમાં નાખી દેવામાં આવી હતી. એ સાથે જ ત્રણે આરોપીઓ દ્વારા આ ઘટનાના પુરાવાનો પણ નાશ કરવામાં આવ્યો હતો.

આ બાબતની ફરિયાદ કપડવંજ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફ.ગુ.ર.નં.,46/ 18થી નોંધાવતાં પોલીસે ઈ.પી.કો.ક. 366, 376 (ડી), 302, 201 હેઠળ ગુનો નોંધી પોલીસે આરોપીઓને પકડ્યા હતા. કોર્ટ દ્વારા પીડિતાના વારસદારોને રૂ. બે લાખનું વળતર આપવાનો હુકમ કર્યો હતો. આમ કપડવંજ કોર્ટે ત્રણેય આરોપીઓને દોષિત ઠેરવી ફાંસની સજાનો ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો.