PM મોદી દ્વારા ગ્લોબલ પાટીદાર વેપાર સંમેલનનું ઉદઘાટન

સુરતઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના સુરતમાં ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ (GPBS)નું વર્ચ્યુઅલ ઉદઘાટન કર્યું હતું.આ કાર્યક્રમનું આયોજન સરદાર ધામ દ્વારા કરવામાં આવ્યું હતું. વડા પ્રધાન મોદીએ સંમેલનને સંબોધિત કરતાં કહ્યું હતું કે નાનાથી મોટો દરેક વેપાર-ધંધાનું દેશના વિકાસમાં મહત્ત્વનું યોગદાન છે. કોરોના કાળમાં પડકારો છતાં દેશમાં MSME ક્ષેત્ર ઝડપથી વિકાસ કરી રહ્યું છે, કરોડો રૂપિયાની મદદ દ્વારા લોકોના રોજગારને બચાવવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં આરોગ્યપ્રધાન મનસુખ માંડવિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, રાજ્યના પ્રદેશાધ્યક્ષ સીઆર પાટિલ, કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલા અને અન્ય અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે આજે ભારતની પાસે ઘણુંબધું છે. આપણે બસ આત્મવિશ્વાસને, આત્મનિર્ભરતાના જુસ્સાને બુલંદ કરવાનો છે. વળી, આ આત્મવિશ્વાસ ત્યારે આવશે, જ્યારે વિકાસમાં બધાની ભાગીદારી હશે અને બધાનો પ્રયાસ હશે. જ્યારે દેશને આઝાદી મળી, ત્યારે સરદાર સાહેબે કહ્યું હતું કે ભારતમાં કુદરતી સંપત્તિની કોઈ કમી નથી. બસ આપણે એને સદુપયોગમાં લગાવવાની છે.

તેમણે પાટીદારોને ખેડૂતો માટે કામ કરવા માટે પ્રેરણા આપતાં જણાવ્યું હતું કે અહીં બેઠા છે તેમાંથી 90 ટકા લોકોના વડવાઓ ખેડૂતો હશે. આજે તમે અરબો-ખરબોનો વેપાર કરો છો તો ગુજરાતની ખેતીને આધુનિક બનાવવો. આપણે બહારથી અનાજ નથી લાવવું, પ્રાકૃતિક ખેતીમાં કામ કરો. જેમ હીરા ચમકાવો છો- એમ ખેડૂતોની મહેનતને પણ ચમકાવો, ભારત સરકારે ગોબરધન પ્રોજેકટ નક્કી કર્યો છે. આવો, દરેક જિલ્લામાં 75 મોટા અમૃત સરોવર બનાવીએ.

આ ત્રિદિવસીય ગ્લોબલ પાટીદાર સમિટમાં 10,000 પાટીદાર ઉદ્યોગપતિઓ ભાગ લેવાના છે. આ ઉપરાંત અંદાજે પાંચ લાખ કરતાં વધુ વિઝિટર્સ આવે તેવી શક્યતા છે. આ સાથે સમિટમાં 950 કરતાં વધુ સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે. વાપીથી તાપી સુધીના સામાજિક સમરસતાને ધોરણે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમિટમાં અંદર 13થી 15 અલગ-અલગ ચેપ્ટર ભાગ લેશે.