રાજ્યમાં માસ્કના દંડઘટાડાની હાલ વિચારણા નહીં: હાઇકોર્ટ

અમદાવાદઃ  ગુજરાત હાઈકોર્ટમાં કોરોના રોગચાળાને મામલે થયેલી સુઓમોટોની સુનાવણી હાથ ધરવામાં આવી હતી.  આ સુનાવણી દરમ્યાન સરકાર દ્વારા માસ્કનો દંડ ઘટાડવાની રજૂઆત કરવામાં આવી હતી. હાઈકોર્ટે માસ્કનો દંડ ઘટાડવાનો ઇનકાર કરતાં કહ્યું હતું કે પહેલાં રાજ્યમાં 50 ટકા રસીકરણ થઈ જવા દો, એ પછી આ વિશે વિચારીશું. હાઈકોર્ટે કહ્યું હતું કે માસ્કનો દંડ રૂ. 1000નો રાખ્યો હોવા છતાં બીજી લહેર આવી હતી રાજ્યમાં કોરોનાના કેસોમાં વધારો થયો હતો.

સરકાર તરફથી વકીલ કમલ ત્રિવેદીએ રજૂઆત કરી હતી કે લોકો કોરોનાની માર્ગદર્શિકાનું પાલન કરી રહ્યા છે, તેથી માસ્કના દંડમાં ઘટાડો કરવામાં આવે. હાઈકોર્ટે આ મામલે સરકારને સામો સવાલ કર્યો હતો કે શું બધા લોકો માસ્ક પહેરે છે? હાઈકોર્ટે કહ્યું હતું કે ત્રીજી લહેર આવવાની શક્યતા છે તો 50 ટકા પણ માસ્ક પહેરશે તો દંડ ઘટાડીશું.

આ સુનાવણી દરમ્યાન સરકાર દ્વારા કરફ્યુનો સમય ઘટાડવા પણ રજૂઆત કરવામાં આવી હતી. રાજ્ય સરકારે હાઈકોર્ટમાં કરેલા એફિડેવિટમાં ત્રીજી લહેરને લઈને આગોતરા આયોજન કરવામાં આવી રહ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે કહ્યું હતું કે કોરોનાને લઈ દરેક જરૂરી વ્યવસ્થાની અછત ન ઊભી થાય તે રીતે વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

સરકારે સોગંદનામામાં રજૂઆત કરી હતી કે સરકારે કોરોનાની ત્રીજી લહેરને પહોંચી વળવા વેરહાઉસમાં 1,45,285 ઈન્જેક્શનનો સ્ટોક કર્યો છે અને 611 વેન્ટિલેટરને પણ તૈયાર કરવામાં આવ્યાં છે. સરકારે હાઈ કોર્ટને જણાવ્યું હતું કે દરેક ઓફિસો, મોલ, થિયેટર્સ અને તમામ જગ્યાએ કર્મચારીઓને ફરજિયાત 10 જુલાઈ સુધીમાં રસીના ડોઝ લેવાના આદેશ કરી દેવામાં આવ્યા છે.