ગાંધીનગરઃ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં કરફ્યુનો સમય 18 મે સુધી લંબાવવામાં આવ્યો છે. રાજ્યનાં આઠ મહાનગરો અને 36 શહેરમાં ચાલી રહેલા રાત્રિ કરફ્યુની મુદત 18 મે સુધી લંબાવવામાં આવી છે. કોરોનાના કેસોની સંખ્યામાં છેલ્લા કેટલાક દિવસોથી સતત ઘટાડો થઈ રહ્યો હોવા છતાં રાજ્ય સરકાર હાલ કોઈ જોખમ લેવા માગતી નથી.
મુખ્ય પ્રધાન રૂપાણીએ આ બેઠકમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે રાજ્યના નાગરિકો, આરોગ્ય જગતના તબીબો સૌના સહયોગ અને સહિયારા પ્રયાસોને પરિણામે ગુજરાતે કોરોના સંક્રમણ નિયંત્રણમાં કેસો ઘટાડવામાં સફળતા મેળવી છે. તેમણે કહ્યું હતું કે હાલ 11,000 જેટલા કેસ થઈ ગયા છે.
મુખ્ય પ્રધાનની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકના આ નિર્ણય અનુસાર રાજ્યનાં આઠ મહાનગરો સહિત જે 36 શહેરોમાં રાત્રિ કરફ્યુ 11 મે, 2021 સુધી રાખવામાં આવેલો, એ 12 મે, 2021થી 18 મે, 2021 એમ સાત દિવસ માટે રાત્રિના આઠ વાગ્યાથી સવારના છ કલાક સુધી યથાવત અમલમાં રહેશે.
આ નિયંત્રણો દરમિયાન તમામ આવશ્યક સેવાઓ ચાલુ રહેશેઃ અનાજ-કરિયાણાની દુકાન, શાકભાજી, ફળ-ફળાદિ, મેડિકલ સ્ટોર, મિલ્ક પાર્લર, બેકરી તથા ખાદ્યપદાર્થોની દુકાનો ચશ્માંની દુકાનો ચાલુ રહેશે
આ બેઠકમાં મુખ્ય પ્રધાને રાજ્યના નાના-મોટા વેપારી, ઉદ્યોગો તથા જનતા રાજ્યમાં કોરોના સંક્રમણ અટકાવવાના હેતુથી રાત્રિ કરફ્યુ સહિતના વધારાનાં નિયંત્રણોના અમલમાં આપેલા સહયોગ અંગે આભારની લાગણી વ્યકત કરી હતી.
