સૌરાષ્ટ્ર-કચ્છમાં વાવાઝોડું ફૂંકાશેઃ ભારે પવન સાથે વરસાદની શક્યતા

અમદાવાદઃ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે દક્ષિણ-પૂર્વ અરેબિયન સમુદ્રમાં ૧૪ મેએ સવારથી સર્જાઈ રહેલું લો પ્રેશર ૧૬ મેના પૂર્વ-મધ્ય અરેબિયન સમુદ્રમાં સાયક્લોનિક સ્ટ્રોમમાં ફેરવાઈને ઉત્તર-ઉત્તર પશ્ચિમ આગળ વધશે. સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થયા બાદ એ વાવાઝોડામાં પણ પરિવર્તિત થવાની સંભાવના છે.

હવામાન વિભાગે આગાહી કરી છે કે 13 મેએ પણ સામાન્ય વરસાદ તેમ જ વાવાઝોડું ફૂંકાઈ શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જામનગર, ભાવનગર અને જૂનાગઢમાં વાવાઝોડાની આગાહી આપવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં તાપી, ડાંગ અને સુરતમાં વાવાઝોડાની તેમ જ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે, વર્ષ ૨૦૨૧નું આ સૌપ્રથમ વાવાઝોડું છે અને મ્યાનમાર દ્વારા તેને ‘ટૌકાતે’ નામ આપવામાં આવ્યું છે. જોકે આ વાવાઝોડું કઈ દિશામાં આગળ વધશે એને લઈને હજુ અસ્પષ્ટતા છે. એક અનુમાન પ્રમાણે એ ઓમાનનો દરિયો ઓળંગી શકે છે તો એક અનુમાન એવું પણ છે કે તે દક્ષિણ પાકિસ્તાન તરફ આગળ ધપી શકે છે, જે મુજબ ગુજરાતના કેટલાક હિસ્સાને અસર થઇ શકે છે. ૧૪ મેએ લો પ્રેશર સર્જાયા બાદ લક્ષદ્વીપ, કેરળ, કર્ણાટકના દરિયાકાંઠા, તામિલનાડુના તટના વિસ્તાર, મહારાષ્ટ્રના કેટલાક હિસ્સામાં ભારે વરસાદ પડી શકે છે.  હવામાન વિભાગની આગાહી પ્રમાણે દાહોદ, તાપી, ડાંગ, ભાવનગર, અમરેલી, કચ્છમાં ૩૦-૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.