ખાનગી હોસ્પિટલમાં ત્રીજા-માળે આગ લાગીઃ દર્દીઓ સુરક્ષિત

ભાવનગરઃ રાજ્યમાં વધુ એક કોવિડ હોસ્પિટલમાં આગ લાગી હતી. સદનસીબે જોકે આ વખતે કોઈ જાનહાનિ થઈ નથી, પણ આગ લાગતાં ફરીથી એક વખત કોવિડ હોસ્પિટલોમાં ફાયર સુરક્ષા મુદ્દે  સવાલ ઊભા થયા છે. શહેરના કાળુભા રોડ ઉપર આવેલી એક્સ જનરેશન હોટેલ કે જયાં સમર્પણ કોવિડ સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે ત્યાં રાત્રે અચાનક ત્રીજા માળે વેન્ટિલેટરમાં શોર્ટ સર્કિટને લીધે આગ લાગતાં અફરાતફરી મચી હતી.  આ હોસ્પિટલમાં 68 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર હેઠળ હતા. આગ બાદ 108 અને ખાનગી એમ્બ્યુલન્સ બોલાવી સિવિલ હોસ્પિટલ તેમ જ ખાનગી હોસ્પિટલમાં દરદીઓને ખસેડવામાં આવ્યા હતા.

હોસ્પિટલના વહીવટી અધિકારીઓએ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની માહિતી આપી હતી. આ આગ લાગી ત્યાર બાદ તમામ દર્દીઓને તાત્કાલિક બહાર કાઢી લેવામાં આવ્યા હતા જેથી તમામ દર્દીઓ સુરક્ષિત છે. ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચીને આગને કાબૂમાં લેવાની કાર્યવાહી શરૂ કરી દીધી હતી અને કલાકોની જહેમત બાદ આગને કાબૂમાં લઈ લેવામાં આવી હતી.

આ આગ લાગવાના કારણે હોસ્પિટલમાં અફડાતફડી મચી ગઈ હતી અને ઓક્સિજન પર રહેલા દર્દીઓને ઓક્સિજન સિલિન્ડર સાથે બહાર લાવીને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.  ફાયરબ્રિગેડના ઓફિસર ભરત કનાડાએ જણાવ્યું હતું કે  ‘જનરેશન એક્સ હોટેલ’ના ત્રીજા માળે ધુમાડાના ગોટેગોટા નીકળ્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ટીવીમાં મોડી રાત્રે શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગવાની ઘટના બની હતી. હવે સ્થિતિ સંપૂર્ણ રીતે કાબૂમાં છે. વધારે ધૂમાડો હોવાના કારણે દર્દીઓને ત્યાંને ત્યાં રાખવા મુશ્કેલ હતું.

ભાવનગર  મનપા કમિશનર એમ એ ગાંધી,જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોર, એએસપી સફાઇન હસન અને ધારાસભ્ય જિતુ વાઘાણી સહિતના આગેવાનો દોડી આવ્યા હતા અને તાકીદે દર્દીઓને અન્યત્ર ફેરવવાની તજવીજ હાથ ધરી હતી.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]