અમદાવાદઃ કોરોના રોગચાળા, મોંઘવારી સહિતની અનેક કપરી પરિસ્થિતિ વચ્ચે શહેરવાસીઓ પણ 2021માં હેમખેમ પસાર થયા હતા. હવે આવનારું 2022નું વર્ષ મંગળમય બની રહે તેવી આશા-અપેક્ષાઓ વચ્ચે 2021ના વર્ષને અલવિદા કરવામાં આવી હતી.
શહેરના મણિનગર વિસ્તારમાં આવેલી મેથોડિસ્ટ ચર્ચના પ્રાંગણમાં નવા વર્ષની શરૂઆતે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં 5000 જેટલા રંગબેરંગી બલૂન ઉડાડી વર્ષ 2022નું સ્વાગત કરી લોકોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
પહેલી જાન્યુઆરીથી 2૦22ના નવા વર્ષનો પ્રારંભ થયો છે .1 જાન્યુઆરીનો દિવસ ગ્રેગોરિયન કેલેન્ડર મુજબ વર્ષનો પહેલો દિવસ છે. આ દિવસ ખ્રિસ્તીઓના નવા વર્ષ તરીકે ઊજવાય છે.
નવા વર્ષને આવકારવા ગઈ કાલે મોડી રાત્રે યુવાધનમાં ખાસ્સો એવો ઉત્સાહ જોવા મળ્યો હતો. કેટલાક લોકોએ ઘરઆંગણે નાનીમોટી પાર્ટી સહિતના કાર્યક્રમો યોજાયા હતા.
મણિનગરની મેથોડિસ્ટ ચર્ચમાં દર વર્ષે નવા વર્ષના પ્રથમ દિવસે લોકો પ્રાર્થના માટે ભેગા થાય છે. પ્રાર્થના બાદ ચર્ચના પ્રાંગણ એકઠા થયેલા પરિવારો એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવે છે. આ પ્રાંગણમાં સવારે 2022ને વધાવવા હર્ષોલ્લાસ સાથે લોકોએ 5000 જેટલા બલૂન આકાશમાં ઉડાડ્યા હતા.લોકોએ એકસાથે આકાશમાં ઉડાડેલા કલરફુલ બલૂનથી અદભુત નજારો સર્જાયો હતો.
(પ્રજ્ઞેશ વ્યાસ)