ડ્રગ્સ વિરૂદ્ધ નવી ઝુંબેશ, સુરતમાં રાજ્યનો પ્રથમ એન્ટી નાર્કોટિક્સ યુનિટ શરૂ

સુરત: ગૃહ રાજ્યમંત્રી દ્વારા આજે રાજ્યનો સૌપ્રથમ એન્ટી નાર્કોટિસ યુનિટ શરૂ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં વધતા ડ્રગ્સનું દૂષણ નોંધપાત્ર રીતે વધી રહ્યું છે. વાસ્તવિકતા છે કે, રાજ્યના યુવાનો ડ્રગ્સના રવાડે ચડીને પોતાનું જીવન અંધારામાં ધકેલી રહ્યા છે. ડ્રગ્સનામ અંધકારમાં ધકેલી ચૂક્યા યુવાનો માટે ફરી એક વખત તમામ પ્રકારની કાઉન્સિલિંગ અને સારવાર આપવા માટેની ઝુંબેશ રાજ્યના ગૃહ વિભાગે શરૂ કરી છે. તેના ભાગરૂપે સુરતમાં પહેલી વખત એન્ટી નાર્કોટિક્સ યુનિટ તૈયાર કરવામાં આવી છે. અહીં જે પણ સારવાર લેવા માટે આવશે તે કોઈપણ વ્યક્તિની માહિતી જાહેર કરવામાં આવશે નહીં. તેમની સામે કોઈપણ પ્રકારના એક્શન પણ લેવામાં આવશે નહીં એટલે ડર્યા વગર આ યુનિટનો વધુમાં વધુ લાભ લેવા માટે રાજ્ય ગૃહમંત્રીએ આવાહન કર્યું હતું.

રાજ્ય ગૃહમંત્રીએ જણાવ્યું કે, સુરત શહેરમાં જે ક્રાઈમ થઈ રહ્યા છે તે પૈકીના સૌથી વધારે ક્રાઇમ ઉધના, પાંડેસરા, લિંબાયત જેવા વિસ્તારમાં નોંધાઈ રહ્યા છે કોઈપણ મોટી ઘટના બને ત્યારે અહીંથી ક્રાઈમ બ્રાન્ચ સુધી જવામાં સમય વેડફાતો હોય છે, જેને ધ્યાનમાં રાખીને આ વિસ્તારમાં ક્રાઈમ બ્રાન્ચનું યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. અહીં અન્ય રાજ્યના લોકો પણ અહીં ખૂબ મોટી સંખ્યામાં રહે છે. તમામ લોકોએ કાયદા-વ્યવસ્થાનું પાલન કરવું જરૂરી છે અને જો તે કાયદા વ્યવસ્થાનું પાલન ન કરે તો તેને કાયદાનું ભાન કરાવવાની પણ જવાબદારી આપણી છે. ક્રાઈમ બ્રાન્ચ પાંડેસરા યુનિટના લોકાર્પણ બાદ આ વિસ્તારની અંદર પોલીસ ઝડપથી કામગીરી કરી શકે તેના માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. કોઈપણ વ્યક્તિ જાહેરમાં તલવાર લઈને નીકળતો હોય તો તે એક ડગલું પણ ચાલી ન શકે એવી રીતે પોલીસ ટ્રીટમેન્ટ આપે છે. તમે જોયા હશે કે, છેલ્લા ઘણા દિવસોથી વરઘોડા ખૂબ નીકળી રહ્યા છે અને હજી પણ શહેરના ખૂણામાં સંતાયેલા આવા સામાજિક તત્વો કે જે ગુનાહિત પ્રવૃત્તિ કરતા ડરતા નથી. તેઓને સબક શીખવાડવા માટે વરઘોડા નીકળશે જ અને નીકળતા રહેશે.