ન્યૂઝીલેન્ડમાં મસ્જિદમાં થયેલા હુમલામાં બે ગુજરાતી યુવાનોના મોત…

અમદાવાદઃ ન્યૂઝીલેન્ડમાં ક્રાઇસ્ટચર્ચ નજીકની બે મસ્જિદોમાં થયેલા આતંકી હુમલામાં સૂરતના બે યુવકોના મોત થતાં સ્થાનિક મુસ્લિમોમાં શોક વ્યાપી ગયો છે. મૃતકો પૈકી લુહારાના રહેવાસી હાફીઝ મુસા પટેલ મસ્જિદમાં મૌલવી તરીકે સેવા આપતાં હતાં.

પ્રાપ્ત વિગતો અનુસાર ન્યુઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચમાં આવેલ બે મસ્જિદ પૈકી અલ નૂર મસ્જિદ તેમ જ લોટાકા મસ્જિદમાં થયેલી આતંકી હુમલાએ આખા વિશ્વને હચમચાવી નાંખ્યું છે. ચાલુ નમાજ દરમિયાન આતંકીઓ દ્વારા ટ્વીટર એફ-બી ઉપર લાઇવ રેકોર્ડિંગ પ્રસારિત સાથે કરેલા અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું હતું.

ગુજરાતના રહેવાસીઓ આ ઘટનાનો ભોગ બન્યા હોવાનું બહાર આવ્યું છે. ભરૂચ, વડોદરા અને આણંદમાં રહેતા લોકો પણ ભોગ બન્યાં છે. ન્યુઝીલેન્ડમાં હુમલામાં આણંદનો 21 વર્ષનો સિવિલ એન્જિનિયર મસ્જિદના મીમ્બર પાછળ સંતાઇ જતાં તેનો આબાદ બચાવ થયો હતો. તેવી જ રીતે ભરૂચના લુવારા ગામનો રહીશ હાફીઝ મુસા ગંભીર રીતે ઘાયલ થયો હોવાની વાત આવી છે. વડોદરાના પિતા-પુત્ર – આરીફ અને રમીઝ પણ ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. આ બંને નમાજ પઢવા ગયા હતા.

વધુ મળતી માહિતી પ્રમાણે આ હુમલામાં મૂળ વડોદરા આરીફ વોરા અને તેમના પુત્ર રમીઝ વોરા લાપતા થતા પરિવારના જીવ તાળવે ચોંટી ગયાં છે. શહેરના પાણીગેટ વિસ્તારમાં ધાનાની પાર્કમાં રહેતાં 58 વર્ષીય આસીફ મહંમદભાઇ વોરાના 28 વર્ષીય પુત્ર રમીઝ વોરા અને તેમની પત્ની ખુશબૂ થોડા વર્ષ અગાઉ ન્યૂઝીલેન્ડમાં સ્થાયી થયાં હતાં. રમીઝ વોરા ન્યૂઝીલેન્ડમાં ખાનગી કંપનીમાં નોકરી કરે છે.

ખુશબુ ગર્ભવતી હોવાથી આસીફભાઇ અને તેમની પત્ની રૂકસાના થોડા સમય પહેલાં ન્યૂઝીલેન્ડ ગયાં હતા. લગભગ 6 દિવસ અગાઉ જ ખુશબુએ બાળકીને જન્મ આપ્યો હતો. રૂકશાનાબેન ખુશબુ સાથે હોસ્પિટલમાં જ છે. આજે આસીફભાઇ અને પુત્ર રમીઝ ન્યૂઝિલેન્ડના ક્રાઇસ્ટચર્ચની મસ્જીદમાં શુક્રવારની નમાજ અદા કરવા ગયાં હતાં. મસ્જિદમાં અચાનક આતંકવાદી હુમલો થયો જેમાં ૪૯ લોકોના મોત થયાં છે.

આતંકી હુમલા બાદ આરીફભાઇ અને રમીઝ બંને લાપતા થયાં હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ ગમખ્વાર ઘટનાને પગલે વડોદરામાં રહેતા આરીફભાઇના પરિવાર સહિત સગા-સંબંધીઓના જીવ પડીકે બંધાઈ ગયાં છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]