આજે બીજેપી સંસદીય દળની બેઠક, પાર્ટી જાહેર કરી શકે છે ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ

નવી દિલ્હીઃ બીજેપી સંસદીય દળની આજે બેઠક છે. આ બેઠક બાદ પાર્ટી આશરે 100 ઉમેદવારોના નામ જાહેર કરી શકે છે. આ લિસ્ટમાં પ્રથમ ચરણમાં વોટિંગ વાળી સીટોના ઉમેદવારો સીવાય વડાપ્રધાન મોદીના નામની પણ જાહેરાત થઈ શકે છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર આવનારા લિસ્ટમાં વડાપ્રધાન મોદીનું નામ સૌથી ઉપર હશે અને આ વખતે પણ તેઓ વારાણસી સીટ પરથી જ ચૂંટણી લડશે. તો બીજેપી, બીહારના ઉમેદવારોના નામની પણ જાહેરાત કરી શકે છે.

બીજેપી અધ્યક્ષ અમિત શાહ સાથે ગઈકાલે સુશીલ મોદી, નિત્યાનંદ રાય અને ભૂપેન્દ્ર યાદવે મુલાકાત કરી હતી. બીજેપીની કોર ગ્રુપની બેઠક બાદ કાલે બિહાર એનડીએ 40 સીટો માટેના ઉમેદવારોના લિસ્ટ પર મહોર મારી શકે છે. બિહારની 40 સીટો માટે બીજેપી, જેડીયૂ અને એલજેપી વચ્ચે 17-17-6 સીટોની ફોર્મ્યુલા તૈયાર થઈ છે.

બિહારમાં ચૂંટણી માટે ભાજપ અને નીતીશ કુમારની જેડીયુ પાર્ટી વચ્ચે ગઠબંધન છે. બંન્ને પાર્ટી 17-17 સીટો પર ઉમેદવાર ઉતારશે. આ સીવાય બાકી બચેલી 6 સીટો એલજેપીને આપવામાં આવી છે. ગઠબંધને અત્યારે સ્પષ્ટ નથી કર્યું કે કયું ક્ષેત્ર કઈ પાર્ટીને મળશે પરંતુ આનું એક સંભવિત લીસ્ટ સામે આવ્યું છે.

આ અનુસાર બેતિયા, મોતિહારી, શિવહર, મુઝફ્ફરપુર, ઉજિયાપુર, મધુબની, અરરિયા, બાંકા, બેગૂસરાય, પટણા સાહિબ, પાટલીપુત્ર, છપરા, મહારાજગંજ, આરા, બક્સર, સાસારામ સીટ બીજેપી પોતાની પાસે રાખી શકે છે. તો એલજેપીને મુંગેરની જગ્યાએ નવાદા અને મુંગેર સીટ જેડીયૂને મળી શકે છે.