અમદાવાદઃ શહેરમાં 145મી જગન્નાથજીની રથયાત્રા માટેની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. આજે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને બલરામ નિજ મંદિરમાં પધાર્યા હતા. જે પછી મંદિરમાં નેત્રોત્સવ વિધિ કરવામાં આવી હતી. નેત્રોત્સવ વિધિમાં ભગવાન જગન્નાથને ગર્ભગૃહમાં પ્રવેશ કરાવવા આવ્યો હતો અને ગર્ભગૃહમાં પ્રવેશ બાદ ભગવાનની આંખે ચંદનનો લેપ લગાવીને પાટા બાંધવામાં આવ્યા હતા. ગુજરાત ભાજપના પ્રદેશાધ્યક્ષ સી. આર. પાટીલ અને હર્ષ સંઘવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
રથયાત્રા પહેલાં ભગવાન જગન્નાથ 15 દિવસ મોસાળમાં જતા હોય છે. ત્યાંથી તેઓ નિજ મંદિરે પધારે છે. ભગવાનને મંદિરમાં પ્રવેશ પછી તેમની આંખો પર પાટા બાંધી દેવામાં આવે છે. આ આખી વિધિને નેત્રોત્સવ કહેવામાં આવે છે.
"નેત્રોત્સવ વિધિમાં જય રણછોડ ના નાદથી ગુંજી ઉઠ્યું મંદિર પરિસર"
ભગવાન જગન્નાથજી , ભાઇ બલરામ અને બહેન સુભદ્રા સાથે મામાના ઘરેથી નિજ મંદિર પરત થયા તે ક્ષણે શ્રી @CRPaatil સાહેબ અને @mukeshpatelmla જી સહિત સંતગણોની ઉપસ્થિતિમાં મહા આરતી કરીને નેત્રોત્સવ વિધિ ભક્તિભાવપૂર્ણ સંપન્ન કરી pic.twitter.com/w9jqPZBmx4
— Harsh Sanghavi (@sanghaviharsh) June 29, 2022
ભગવાન જગન્નાથની 145મી રથયાત્રાને લઈ પોલીસે ગઈ કાલે ગ્રાન્ડ રિહર્સલ શરૂ કરી દીધું છે. મંગળવારે શહેર પોલીસ મોટી સંખ્યામાં વાહન સાથે પોલીસના ઉચ્ચ અધિકારીઓએ વિવિધ વિસ્તારોની સુરક્ષાની સમીક્ષા કરી હતી. રથયાત્રા રૂટ પર પોલીસ કર્મચારીઓનો પોલીસ બંદોબસ્ત, SRP, CAPFની ટુકડીઓ તહેનાત કરવામાં આવી હતી.
નેત્રોત્સવ વિધિ પછી હવે ભગવાનના આંખેથી પાટા અષાઢી બીજના દિવસે વહેલી સવારે ચાર કલાકે ખોલવામાં આવશે. ત્યાર પછી ધ્વજારોહણની વિધિ કરવામાં આવશે અને એ પછી મંગળા આરતી થશે. આજે મંદિરમાં ધોળી દાળ (ખીર) અને કાળી રોટી (માલપુડા)નો ભંડારો થયો હતો. લાખો ભાવિકોએ આ ભંડારાનો લાભ લીધો હતો.