ભાજપનું પ્રતિનિધિ મંડળ દિલ્હી મોડલની પોલ ખોલશેઃ ગુપ્તા

અમદાવાદઃ રાજ્યમાં આ વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ગુજરાત મોડલ વિરુદ્ધ કેજરીવાલના દિલ્હી મોડલની વચ્ચે ટક્કર થવાની શક્યતા છે. દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના દિલ્હી મોડલના વિરોધમાં ગુજરાત ભાજપનું 17 સભ્યોનું એક પ્રતિનિધિમંડળ ગઈ કાલે નવી દિલ્હી પહોંચ્યું હતું. આ પ્રતિનિધિ મંડળ દિલ્હીના ગુણવત્તાયુક્ત શિક્ષણ, આરોગ્યની સેવાના દાવાઓની વાસ્તવિક તપાસ કરશે.

કેજરીવાલે ગુજરાતના પ્રવાસ વખતે સતત દિલ્હી મોડલના ગુણગાન ગાયા હતા, જેમાં તેમણે કહ્યું હતું કે તેમણે છેલ્લાં સાત વર્ષમાં શહેરના શિક્ષણ અને આરોગ્યની સુવિધાઓને ધરમૂળથી બદલી નાખી છે.

ગુજરાત ભાજપના મિડિયા સંયોજક અને પ્રતિનિધિ મંડળના પ્રમુખ યજ્ઞેશભાઈ દવેએ જણાવ્યું હતું કે કેજરીવાલના નિષ્ફળ વહીવટી મોડલના પુરાવા એકઠા કર્યા પછી અમે રાજ્યના લોકોને તેમના જૂઠનો પર્દાફાશ કરીશું. તેમણે દાવો કર્યો હતો કે ગુજરાતનું શિક્ષણ મોડલ દરેક માપદંડે દિલ્હી મોડલથી ઘણું સારું છે. તેમણે કહ્યું હતું કે વિદ્યાર્થીઓની સંખ્યા અને ખાલી પદોની ટકાવારીમાં અમારા શિક્ષણ અને દિલ્હી મોડલ વચ્ચે કોઈ તુલના નથી.

દિલ્હી ભાજપના અધ્યક્ષ આદેશ ગુપ્તાએ કહ્યું હતું કે જ્યારે કોઈ વિદેશી કેજરીવાલની શિક્ષણ વ્યવસ્થા જોવા આવે છે, ત્યારે મુખ્ય પ્રધાન તેમને બે-ચાર સારાં બિલ્ડિંગો બતાવે છે. ગુપ્તાએ દિલ્હીના શિક્ષણ મોડલ પર ખુલ્લી ચર્ચા કરવા પડકાર ફેંકતા કહ્યું હતું કે ઉપ મુખ્ય પ્રધાન  અને તેમની ટીમ ગભરાયેલી છે, કેમ કે દિલ્હીનો પ્રવાસ કરનારું ભાજપનું પ્રતિનિધિ મંડળ વાસ્તવિકતા જોશે.

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]