PM મોદી 17 સપ્ટેંબરે જન્મદિવસે કેવડિયા જઈ નર્મદા ડેમનાં દર્શન કરશે

ભરૂચ – 17મી સપ્ટેંબરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમને છલોછલ થયેલો જોવા વડા પ્રધાન મોદી એ દિવસે કેવડિયા કોલોની જશે અને નર્મદા ડેમનાં દર્શન કરશે, પ્રાર્થના કરશે, જેની જળસપાટી 70 વર્ષના ઈતિહાસમાં પહેલી જ વાર સર્વોચ્ચ સ્તરે પહોંચી ગઈ છે અને છલકાવાને આરે આવી ગયો છે.

સરદાર સરોવર નર્મદા ડેમ ઓવરફ્લો થવાને આરે છે. ડેમ 138.68 મીટરે છલકાય છે. આજે સવારે જળસપાટી 138.33 મીટરે પહોંચી હતી.

સાતપુડાની ગિરીમાળાઓ વચ્ચે આવેલા સરદાર સરોવર ડેમના હાલ આહલાદક દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

નર્મદા ડેમના છલકાવાના ઐતિહાસિક પ્રસંગની રાજ્યવ્યાપી ઉજવણીનો શુભારંભ કરવા માટે હાજર રહેવાના ગુજરાત સરકારના આમંત્રણો વડા પ્રધાન મોદીએ સ્વીકાર કર્યો છે.

વડા પ્રધાન મોદી 17 સપ્ટેંબરે કેવડિયા કોલોની ખાતે હાજર રહેશે. નર્મદા મૈયાને શ્રીફળ અને ચૂંદડી અર્પણ કરીને વધામણાં કરશે.

ડેમ છલકાય એ ઘટનાની ખાસ રીતે ઉજવણી કરવાનું ગુજરાત સરકારે નક્કી કર્યું છે.

નર્મદા, ભરૂચ અને વડોદરા જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓની રજા રદ કરવામાં આવી છે.

સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર ડો. રાજીવ ગુપ્તાએ કહ્યું છે કે નર્મદા ડેમમાં પાણીની સપાટીમાં દર એક કલાકે 1 સે.મી.નો વધારો નોંધાઈ રહ્યો છે. હાલ પાણીની આવક 8 લાખ 55 હજાર ક્યૂસેક નોંધાઈ છે. મધ્ય પ્રદેશમાં ઓમકારેશ્વર અને ઈન્દિરા સાગર ડેમોમાંથી વધારાનું પાણી છોડવામાં આવી રહ્યું હોવાને કારણે સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટી વધી રહી છે.

ડેમમાં ઈનફ્લો 8,94,730 ક્યૂસેક છે જ્યારે આઉટફ્લો 6,30,444 ક્યૂસેક છે. 3.9 મીટરે 23 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે.