મગફળી કૌભાંડઃ નાફેડ ચેરમેન વાઘજી બોડાનું કોંગ્રેસમાંથી રાજીનામું

રાજકોટઃ મગફળી કૌભાંડે હવે ચર્ચાનું જોર પકડ્યું છે. આક્ષેપ-પ્રતિ આક્ષેપોના દોરની વચ્ચે આ મામલે તપાસ પણ ચાલી રહી છે. ત્યારે હવે નાફેડના ચેરમેન વાઘજી બોડાએ કોંગ્રેસના પોતાના તમામ પદો પરથી રાજીનામુ આપી દીધું છે. બોડાએ પોતાનું રાજીનામુ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટિને મોકલી આપ્યું છે.મહત્વનું છે કે વાઘજી બોડા કોંગ્રેસના દિગ્ગજ નેતા છે અને સાથે જ નાફેડના ચેરમેન પણ છે. “નાફેડ દેશ લેવલની સંસ્થા છે અને દરેક પક્ષના ડિરેક્ટરો આ સંસ્થામાં સેવા આપતા હોય છે. વાઘજી બોડાએ જણાવ્યું કે નાફેડમાં મારી જવાબદારીના કારણે મેં કોંગ્રેસના નેબર હેઠળ મગફળી વિશે જે નિવેદન મીડિયા સમક્ષ આપ્યું હતું તે નિવેદન આપવામાં થોડી ઉતાવળ થઈ ગઈ હોવાથી હું પક્ષમાંથી રાજીનામું આપું છું.”

મહત્વનું છે કે ગઈકાલે નાફૅડના ચેરમેન વાઘજી બોડાએ મગફળી કૌભાંડ અંગે કૃષિમંત્રી ફળદુને જવાબ આપતા કહ્યું હતું કે, “કૃષિમંત્રી પાસે અભ્યાસ જ નથી. જો કૌભાંડમાં નાફેડ જવાબદાર હોય તો તેની સામે પણ ફરિયાદ કરો.”

વાઘજી બોડાએ ટંકારા ખાતેથી કોંગ્રેસની કારોબારીમાં બોલતા કહ્યું હતું કે, “ગુજ્કોટના ચેરમેન અને મુખ્યપ્રધાન વચ્ચે બનતું ન હોવાથી ફડચામાં ગયેલી મંડળીઓને ખરીદીનું કામ સોપાયું હતું. આ સમગ્ર કૌભાંડમાં અમુક મિલ માલિકો પણ જવાબદાર છે. વિધાનસભાની ચૂંટણી વખતે આ કૌભાંડ થયું હતું. સાથે સાથે તેમણે એવી ચેલેન્જ પણ ફેંકી હતી કે ટંકારા અને મોરબી મારો વિસ્તાર છે અહીં ખરીદાયેલી મગફળીમાં એક કાંકરી પણ શોધી આપો તો હું જાહેર જીવન છોડી દઈશ.”

તો રાજ્યના ડેપ્યુટી સીએમ નીતિન પટેલે વાઘજી બોડાના નિવેદનોના સંદર્ભમાં કહ્યું કે, કેન્દ્ર સરકારે ગુજરાતના ખેડૂતોના વ્યાપક હિતમાં મગફળી ટેકાના ભાવે ખરીદવાનો નિર્ણય કરીને તેની જવાબદારી નાફેડને સોંપી હતી. આ ખરીદી પ્રક્રિયામાં મગફળીની ગુણવત્તા ચકાસણી, ગોડાઉન સ્ટોરેજ જાળવણીથી લઇને વેચાણ અને ખેડૂતોને પેમેન્ટ સુધીની બધી જ જવાબદારી નાફેડ હસ્તક હતી તેમ જણાવતાં નાયબ મુખ્યપ્રધાને કહ્યું કે નાફેડ આ જવાબદારી નિભાવવાની ફરજ ચૂકી ગયું છે તે વાઘજી બોડા કેમ સ્વીકારતાં નથી?

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]