મહારાષ્ટ્ર બંધ: મુંબઈ નોર્મલ, રાજ્યના કેટલાક ભાગોમાં મરાઠા દેખાવકારોએ બસોને અટકાવી

મુંબઈ – મરાઠા સમાજના કેટલાક સંગઠનો દ્વારા કરાયેલા એલાન મુજબ આજે મહારાષ્ટ્રમાં અનેક ભાગોમાં આજે બંધ પાળવામાં આવ્યો છે, પણ મુંબઈ, નવી મુંબઈ, થાણે અને પાલઘરમાં બંધની બહુ ઓછી અસર જોવા મળી છે.

મુંબઈમાં લોકલ તથા બહારગામની ટ્રેન સેવા રાબેતા મુજબ ચાલી રહી છે. ‘બેસ્ટ’ કંપનીની લોકલ બસ સેવા પણ નોર્મલ છે. પરંતુ હિંસા થવાના ડરે કેટલાક વિસ્તારોમાં દુકાનદારોએ દુકાનો બંધ રાખી છે તો બીજા ઘણા વિસ્તારોમાં દુકાનો ખુલ્લી જોવા મળી છે. રસ્તા પર ટ્રાફિક ઓછો છે અને ઘણી ખાનગી ઓફિસોએ રજા રાખી હોવાથી લોકલ ટ્રેનોમાં ભીડ પ્રમાણમાં ઓછી હતી. શાળાઓને બંધ રાખવાની ગઈ કાલે જ જાહેરાત કરી દેવામાં આવી હતી.

દાદરની ભાજી તેમજ ફૂલ માર્કેટ તથા નવી મુંબઈની હોલસેલ એપીએમસી માર્કેટ બંધ રાખવામાં આવી છે.

મુંબઈમાં શાંતિ છે, પરંતુ મહારાષ્ટ્રના અન્ય કેટલાક ભાગોમાં મરાઠા અનામત દેખાવકારોએ બસોને અટકાવી હતી. સરકારે અગમચેતીના પગલા તરીકે એસ.ટી. બસ સેવા સંપૂર્ણપણે બંધ રાખી છે.

કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને એ માટે સમગ્ર મુંબઈમાં પોલીસનો કડક બંદોબસ્ત છે.

પુણે જિલ્લામાં તથા મહારાષ્ટ્રના અન્ય કેટલાક ભાગોમાં ઈન્ટરનેટ સેવા સ્થગિત કરી દેવામાં આવી છે જેથી લોકો અફવાઓનો ફેલાવો ન કરે.

મરાઠા સંગઠનો એમના સમાજ માટે સરકારી તથા શૈક્ષણિક સંસ્થાઓમાં 16 ટકા બેઠક અનામત રાખવામાં આવે એવી માગણી માટે છેલ્લા અનેક મહિનાઓથી આંદોલન કરી રહ્યા છે.

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન શરદ પવારના વતન બારામતીમાં બંધ સંપૂર્ણ રહ્યો છે.

મુંબઈમાં, બાન્દ્રા ઉપનગરમાં દેખાવકારોએ મુંબઈ સબર્બન જિલ્લા કલેક્ટરના કાર્યાલયની બહાર શાંતિપૂર્ણ દેખાવો કર્યા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]