રાજકોટઃ ગુજરાતી પત્રકારત્વ ક્ષેત્રે પ્રદાન કરનારા વરિષ્ઠ અને યુવા પત્રકારો માટે ‘નચિકેત એવોર્ડ્સ’ની જાહેરાત કરવામાં આવી છે.
વરિષ્ઠ પત્રકારની કેટેગરીમાં ‘જન્મભૂમિ’ પત્રોના વરિષ્ઠ તંત્રી કુંદનભાઈ વ્યાસ અને જાણીતા વિચારક-કટારલેખક ગુણવંત શાહની પસંદગી કરવામાં આવી છે.
એ જ રીતે યુવા પત્રકારની કેટેગરીમાં ‘ચિત્રલેખા’ સાપ્તાહિકના આસિસ્ટન્ટ એડિટર હીરેન મહેતા અને ‘ટીવી-9’ ગુજરાતી ચેનલના અમદાવાદ ખાતેના સિનિયર એડિટર વિકાસ ઉપાધ્યાયની પસંદગી કરવામાં આવી છે.
તા 8 માર્ચ, 2020ના રોજ રાજકોટ ખાતે યોજાનારા એવોર્ડ વિતરણ સમારોહમાં એવોર્ડવિજેતાઓને પૂ. મોરારિબાપુના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવશે.
પૂ. મોરારિબાપુના આશીર્વાદ અને જાણીતા શતાયુ રાજકીય સમીક્ષક- લેખક-વક્તા અને ‘પદ્મશ્રી’ નગીનદાસ સંઘવીની પ્રેરણાથી આ એવોર્ડનો પ્રારંભ થયો છે.
નગીનદાસ સંઘવીનું એમના શતાયુ પ્રવેશ નિમિત્તે રાજકોટમાં જાહેર સન્માન થયેલું ત્યારે એમને સન્માનની જે ધન-રાશિ અર્પણ કરવામાં આવી હતી એ તેમણે સવિનય પરત કરી હતી અને એ રાશિમાંથી ‘નચિકેત એવોર્ડ’ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અમુક રાશી વૃક્ષારોપણ પાછળ ખર્ચવામાં આવી છે.
‘નચિકેત એવોર્ડ’નું નામાભિધાન પણ નગીનદાસભાઈએ જ કર્યું છે.
આ પારિતોષિકમાં વરિષ્ઠ પત્રકારને રૂ. 51,000ની રાશી અને સન્માનપત્ર, તથા યુવા પત્રકારને રૂ. 25,000ની રાશી તથા સન્માનપત્ર એનાયત કરવામાં આવશે.
એવોર્ડ માટે પસંદગી સમિતિમાં વરિષ્ઠ પત્રકાર દેવેન્દ્રભાઇ પટેલ, જાણીતા લેખક-વક્તા ભાગ્યેશભાઇ જહા, ‘ચિત્રલેખા’ના તંત્રી ભરત ઘેલાણી અને ‘નવગુજરાત સમય’ના તંત્રી અજય ઉમટે સેવા આપી હતી.