ઇન્ડિયા ફર્સ્ટનો ભાવ જગાવવાનું મુખ્યમંત્રીનું આહ્વાન

ગાંધીનગરઃ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણી આજે સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના બીજા પદવીદાન સમારોહમાં હાજર રહ્યા હતા. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ યુવા છાત્ર શક્તિને તેમણે મેળવેલી શિક્ષા-દિક્ષાના આધારે આત્મવિશ્વાસથી આગળ વધી રાષ્ટ્ર સ્વાભિમાન- ઇન્ડિયા ફર્સ્ટનો ભાવ જગાવવા માટે પ્રેરક આહવાન કર્યું છે.આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, આવનાર પડકારોને પહોંચી વળવાની સજ્જતા કેળવી વિશ્વ સાથે બરોબરી કરતી યુવા વ્યક્તિના ભરોસે જ પ્રધાનમંત્રીએ નયા ભારતના નિર્માણનો સંકલ્પ સંજોયો છે તે રાષ્ટ્રના સ્વાભિમાનથી પાર પાડવો છે. મુખ્યમંત્રીએ પદવી પ્રાપ્ત વિદ્યાર્થીઓને કહ્યું કે, રાષ્ટ્ર નિર્માણથી ભારત માતાને વિશ્વ ગુરૂ બનાવવાનું કર્તવ્ય હવે યુવા છાત્રોએ પોતાના જ્ઞાનનો માનવજાતના-સમાજના કલ્યાણ માટે વિનિયોગ કરીને અદા કરવાનું છે.

મુખ્યમંત્રીએ ઇન્ડિયા ફર્સ્ટનો ભાવ જગાવતી આ નવી યુવા છાત્રપેઢી પોતાના વિચાર,આચાર અને નવોન્મેષી વાતાવરણથી તરબતર છે તેનો ઉમંગ અને વિશ્વાસ જ ભારત માતાના માન બિંદુઓ, કિર્તી વિશ્વમાં ઉન્નત કરશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો.

તેમણે પ્રાચીન વિશ્વમાં નાલંદા,વલ્લભી અને તક્ષશિલા જેવી વિધાપીઠમાં વિશ્વના દેશોના યુવાઓ જ્ઞાન કૌશલ્ય માટે આવતા તેનો મહિમા પૂન:પ્રસ્થાપિત કરી સમયાનુકુલ જ્ઞાન-શિક્ષા દિક્ષા માટે હવે વિશ્વના છાત્રો ભારત આવે તેવું વાતાવરણ ઉભું થયું છે તેમ દઢ્ઢતાપુર્વક જણાવ્યું હતું

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતે સમયના પ્રવાહો સાથે તાલ મિલાવતી શિક્ષા-દિક્ષા પ્રણાલિઓ વિકસાવીને સેકટરલ યુનિવર્સિટીઓ, સ્ટાર્ટઅપ-ઇનોવેશન, સ્કીલ ડેવલપમેન્ટ તથા રિસર્ચ કરનારા પીએચ.ડી છાત્રો માટે “શોધ” યોજના અંતર્ગત સ્ટાઇપેન્ડથી ગુજરાતે દેશમાં શિક્ષણ ક્ષેત્રે લીડ લીધી છે તેની વિશદ ભૂમિકા આપી હતી. તેમણે પદવી પ્રાપ્ત છાત્રોને સમગ્ર ગુજરાતની જનતા- જનાર્દન વતી અભિનંદન પાઠવતાં આ શિક્ષા-દિક્ષા સમાજ શ્રેયાર્થે પ્રેરણાદાયી કદમ બને તેવી શુભેચ્છાઓ આપી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]