‘નચિકેત એવોર્ડ્સ’ની જાહેરાતઃ પૂજ્ય મોરારિબાપુના હસ્તે વિજેતાઓને એવોર્ડ એનાયત કરાશે

રાજકોટઃ ગુજરાતી પત્રકારત્વ ક્ષેત્રે પ્રદાન કરનારા વરિષ્ઠ અને યુવા પત્રકારો માટે ‘નચિકેત એવોર્ડ્સ’ની જાહેરાત કરવામાં આવી છે.

ગુણવંત શાહ, કુંદન વ્યાસ, હીરેન મહેતા, વિકાસ ઉપાધ્યાય

વરિષ્ઠ પત્રકારની કેટેગરીમાં ‘જન્મભૂમિ’ પત્રોના વરિષ્ઠ તંત્રી કુંદનભાઈ વ્યાસ અને જાણીતા વિચારક-કટારલેખક ગુણવંત શાહની પસંદગી કરવામાં આવી છે.

એ જ રીતે યુવા પત્રકારની કેટેગરીમાં ‘ચિત્રલેખા’ સાપ્તાહિકના આસિસ્ટન્ટ એડિટર હીરેન મહેતા અને ‘ટીવી-9’ ગુજરાતી ચેનલના અમદાવાદ ખાતેના સિનિયર એડિટર વિકાસ ઉપાધ્યાયની પસંદગી કરવામાં આવી છે.

તા 8 માર્ચ, 2020ના રોજ રાજકોટ ખાતે યોજાનારા એવોર્ડ વિતરણ સમારોહમાં એવોર્ડવિજેતાઓને પૂ. મોરારિબાપુના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવશે.

પૂ. મોરારિબાપુના આશીર્વાદ અને જાણીતા શતાયુ રાજકીય સમીક્ષક- લેખક-વક્તા અને ‘પદ્મશ્રી’ નગીનદાસ સંઘવીની પ્રેરણાથી આ એવોર્ડનો પ્રારંભ થયો છે.

નગીનદાસ સંઘવીનું એમના શતાયુ પ્રવેશ નિમિત્તે રાજકોટમાં જાહેર સન્માન થયેલું ત્યારે એમને સન્માનની જે ધન-રાશિ અર્પણ કરવામાં આવી હતી એ તેમણે સવિનય પરત કરી  હતી અને એ રાશિમાંથી ‘નચિકેત એવોર્ડ’ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અમુક રાશી વૃક્ષારોપણ પાછળ ખર્ચવામાં આવી છે.

‘નચિકેત એવોર્ડ’નું નામાભિધાન પણ નગીનદાસભાઈએ જ કર્યું છે.

આ પારિતોષિકમાં વરિષ્ઠ પત્રકારને રૂ. 51,000ની રાશી અને સન્માનપત્ર, તથા યુવા પત્રકારને રૂ. 25,000ની રાશી તથા સન્માનપત્ર એનાયત કરવામાં આવશે.

એવોર્ડ માટે પસંદગી સમિતિમાં વરિષ્ઠ પત્રકાર દેવેન્દ્રભાઇ પટેલ, જાણીતા લેખક-વક્તા ભાગ્યેશભાઇ જહા, ‘ચિત્રલેખા’ના તંત્રી ભરત ઘેલાણી અને ‘નવગુજરાત સમય’ના તંત્રી અજય ઉમટે સેવા આપી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]