અમદાવાદઃ રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શનથી પહેલી મેથી રાજ્યનામ તમામ ગામોમાં મારૂં ગામ કોરોનામુકત ગામ ઝુંબેશનો વ્યાપક ગ્રામીણ જનભાગીદારીથી પ્રારંભ થયો છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના આ આહવાને આપવામાં આવ્યાને માત્ર 48 કલાક એટલે કે બે જ દિવસમાં ઉત્સાહજનક પ્રતિસાદ મળતાં રાજ્યના 248 તાલુકાની 14,246 ગ્રામ પંચાયતોમાં 10,000થી વધુ કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર કાર્યરત થઇ ગયા છે, જેમાં ૧,૦૫,૦૦૦ બેડની સુવિધા ઊભી કરવામાં આવી છે, જ્યાં ગામના જે નાગરિકને કોરોના સંક્રમણ થયું હશે તેને આઇસોલેટ કરી શકાશે. આવા સેન્ટરમાં ભોજન અને જરૂરી દવાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
પહેલી મેએ ગુજરાત સ્થાપના દિનથી મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કોરોના મુક્ત ગામ ઝુંબેશની શરૂઆત કરાવી હતી. આ ઝુંબેશ એક પખવાડિયા સુધી ચાલશે. તેના પ્રતિસાદમાં બે દિવસમાં ૨૪૮ તાલુકામાં ૧૪૨૪૬ ગ્રામ પંચાયતમાં ૧૦,000થી વધુ કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર કાર્યરત કરવામાં આવ્યા છે.
ગ્રામ્ય કક્ષાએ સરકારી શાળા, કોમ્યુનિટી હોલ, સમાજની વાડી, હોસ્ટેલ કે સરકારી મકાન વગેરે સ્થળોનો ઉપયોગ કરીને DDO-TDO અને ગામના અગ્રણીઓની ૧૦ વ્યક્તિની સમિતિ દ્વારા આવા સેન્ટર્સ શરૂ કરવામાં આવી રહ્યાં છે. ડાંગથી લઈને ઉત્તર ગુજરાતના સરહદી વિસ્તાર બનાસકાંઠામાં પણ આવા સેન્ટરમાં પથારીની સુવિધા ઊભી કરવામાં આવી છે.