AMTSની મેટ્રો ફીડર સેવા થઈ શરૂ, જાણો કયા રૂટ પર દોડશે બસ

અમદાવાદ: પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરતા શહેરીજનો માટે મેટ્રો સ્ટેશનથી પોતાના વિસ્તારમાં સરળતાથી જઈ શકે તેના માટે હવે AMTS દ્વારા મેટ્રો ફીડર બસ સેવાની શરૂઆત કરવામાં આવી છે. મેટ્રોના બે મુખ્ય સ્ટેશન થલતેજ અને વસ્ત્રાલથી ફીડર બસ સેવા કરવામાં આવી છે, ત્યારે સાબરમતી રિવરફ્રન્ટના રૂટ પર પણ બસ શરૂ થઈ છે. CM ભુપેન્દ્ર પટેલ દ્વારા લીલી ઝંડી બતાવી બસો સેવાની શરૂઆત કરવામાં આવી હતી.

અમદાવાદમાં મેટ્રો સ્ટેશનથી પોતાના વિસ્તારમાં જવા માટે AMTS  ફિડર સેવા શરૂ કરવામાં આવી છે. જેમાં થલતેજ મેટ્રો સ્ટેશનથી એસજી હાઇ-વેથી પશ્ચિમ તરફ બોપલ, શીલજ, ઘુમા, પ્રહલાદ નગર ઘાટલોડિયા વિસ્તારમાં AMTS બસ દોડશે. તો બીજી બાજુ વસ્ત્રાલ મેટ્રો સ્ટેશનથી ઓઢવ, આદિનાથ નગર, સિંગરવા ગામ થઈ અને વસ્ત્રાલ પરત ફરશે.

આજથી મેટ્રો સ્ટેશનના કનેક્ટિવિટી માટે થલતેજ મેટ્રો સ્ટેશનથી કુલ 6 રૂટ પર સરકયુલર અને એન્ટી સરકયુલર રુટની AMTS બસ સેવા શરૂ કરવામાં આવી છે. જ્યારે થલતેજથી સાઉથ બોપલની 60 નંબર શટલ બસની સેવા શરૂ કરવામાં આવી છે. થલતેજ મેટ્રો સ્ટેશનથી એસજી હાઇ-વેના પશ્ચિમ તરફના બોપલ, હેબતપુર, શિલજ, ઘુમા, સિંધુભવન રોડ, વકીલ સાહેબ બ્રિજ તેમજ સોલા, ઘાટલોડિયા, ભૂયંગદેવ, ગુજરાત હાઇકોર્ટ, સાયોના સીટી, સતાધાર ચાર રસ્તા ગુલાબ ટાવર સહિતના વિસ્તારોમાં સરકયુલર અને એન્ટી સરકયુલર રૂટ પર AMTS બસ ફરશે.

જ્યારે પૂર્વ વિસ્તારના મેટ્રો સ્ટેશન વસ્ત્રાલથી બે રૂટ પર AMTS બસ જશે. જે માધવ ફાર્મ, આદિનાથ નગર, ઓઢવ, સિંગરવા, રણજીપુરા, નિરાંત ચોકડી થઈ પરત વસ્ત્રાલ ફરશે. વસ્ત્રાલ મેટ્રો સ્ટેશન માટે માત્ર બસો મૂકવામાં આવી છે. જ્યારે થલતેજ મેટ્રો સ્ટેશન રૂટ પર 14 બસો મૂકવામાં આવી છે. જ્યારે સાબરમતી રિવરફ્રન્ટ રૂટ ઉપર વાસણાથી વાડજ પૂર્વ અને પશ્ચિમ એમ બંને તરફ માટે કુલ 2 બસો મૂકવામાં આવી છે. થલતેજથી દર 25 મિનિટે એક બસ મળશે. વસ્ત્રાલથી દર 20 મિનિટે જ્યારે સાબરમતી રિવરફ્રન્ટ રૂટ પર 15 મિનિટે બસ મળશે.