‘તાઉ’તે’ વાવાઝોડા બાબતે હવામાન વિભાગનું રેડ એલર્ટ

દીવઃ ગુજરાતના દરિયાકાંઠે ‘તાઉ’તે’ વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. ‘તાઉ તે’ વાવાઝોડું 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારને 180 કિમીની ઝડપે ટકરાશે. હવામાન વિભાગે આ વાવાઝોડા માટે રેડ એલર્ડ જાહેર કર્યું છે. આ વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્રમાં 10 ઈંચ જેટલો વરસાદ પડશે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તાઉ’તે આજે રાત્રે 8 કલાકથી 11 કલાકની વચ્ચે ગુજરાતના પોરબંદર અને મહુવાની વચ્ચે ટકરાશે વાવાઝોડું દીવથી 180 કિમી હાલમાં દૂર છે. હાલ દીવમાં ભારે વરસાદ શરૂ થયો છે, જોકે લોકોની અવરજવર પર પ્રતિબંધ છે અને અહીં 10 ફૂટ ઊંચા મોજા ઊછળવાનું શરૂ થયું છે.

હાલમાં સૌરાષ્ટ્રના તમામ બંદર પર ભયજનક સિગ્નલ લગાડવામાં આવ્યા છે આ વાવાઝોડાને પગલે આવતી કાલે અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, અરવલ્લી, ખેડા અને પાટણમાં ભારે વરસાદ રહેશે. મુખ્ય પ્રધાન રૂપાણીએ વાવાઝોડા મુદ્દે માહિતી આપી છે કે આ વાવાઝોડા સામે અગમચેતીરૂપે તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે.

દરિયાકાંઠાના દોઢ લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. NDRF અને SDRFની ટીમો પણ પહોંચી ગઈ છે. પાવર બેકઅપ ઊભો કરવા સૂચના આપવામાં આવી છે. કુલ 1428 જગ્યાએ પાવર બેક-અપ ઊભા કરવામાં આવ્યા છે. વીજ કંપનીની 661 ટીમ કાર્યરત છે. 444 આરોગ્યની ટીમ કામે લગાડી છે.

174 ICU ઓન વ્હીલ સ્ટેન્ડ-ટુ છે. 607 જેટલી 108ની એમ્બ્યુલન્સ કાર્યરત કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે કોરોના દર્દીઓને તકલીફ ન પડે એ માટે 3 દિવસ ચાલે તેટલા રેમડેસિવિર ઇન્જેક્શન પહોંચાડી દેવામાં આવ્યાં છે. 1700 ટન જેટલા ઓક્સિજનની વ્યવસ્થા કરવામાં આવી છે. વાવાઝોડાના સંકટને લઈ પીએમ મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ સતત સંપર્કમાં છે.

એરફોર્સ, નેવીને પણ એલર્ટ રહેવાની સૂચના અપાઈ છે. તમામ માછીમારો અને તેમની બોટ પરત આવી ગઈ છે.

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]