દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ..

રાજ્યમાં સિઝનનો એવરેજ 28.12 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં હાલ સુધીમાં સૌરાષ્ટ્રમાં સૌથી વધુ 37.55 ટકા વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત કચ્છમાં કુલ 34.91 ટકા, દક્ષિણ ગુજરાતમાં 31.88 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં માત્ર 18.48 ટકા અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં 18.72 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે. આજે સવારે 6થી બપોરના 2 વાગ્યા સુધી રાજ્યના 54 તાલુકામાં વરસાદ નોંધાયો છે.

 ત્યારે આજે સવારથી દક્ષિણ ગુજરાતમાં મેઘ રાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. વલસાડ અને ગણદેવીમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. વલસાડમાં આજે સવા પાંચ ઈંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના પગલે વલસાડના રોડ રસ્તા પર પાણી પાણી થયા હતા. વરસાદી પાણીના ભરાવાના કારણે કેટલીક જગ્યા પર વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તો શહેર અનેક રસ્તાઓ બંધ થયા છે. તેમજ પારડીના પલસાણામાં પુલ પર એક કાર ફસાઈ હતી. જેને JCBની મદદથી સ્થાનિકોએ બહાર કાઢી હતી. ગણદેવીમાં ચાર કલાકમાં પોણા છ ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત જલાલપોરનું ખરસાડ ગામ તો બેટમાં ફેરવાયું છે. ગામના મુખ્ય રસ્તા ઉપર નદીઓ વહેવા લાગી છે.

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના પગલે લગભગ તામમ જળાશયોમાં નવા નીરના આગમન થયા હતા. નવસારી જિલ્લાના ચીખલી ગામમાંથી પસાર થતી કાવેરી નદીના જળ સ્તરમાં સતત વધારો થયો છે. ચીખલી ગામનો કોઝવે પણ ઓવરફ્લો થયો છે. લો લેવલ બ્રિજ પાણીમાં ગરક થયો છે. નવસારી જિલ્લાની પૂર્ણા, અંબિકા, કાવેરી અને ખરેરા નદીઓમાં જળસ્તરમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે જેને લઇને તંત્ર એલર્ટ થઈ ગયું છે.

વલસાડ જિલ્લામાં તેમજ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે મધુબન ડેમમાં પાણીની સતત આવક થઈ રહી છે. જેથી મધુબન ડેમના ચાર દરવાજા 0.50 મીટર ખોલવામાં આવ્યાં છે. ડેમમાં પાણીની14,216 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે જેની સામે ડેમમાંથી 7288 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું છે. તો બીજી બાજું તાપી જિલ્લાની નદી અને ડેમોમાં પાણી આવક નોંધાય રહી છે. વ્યારા શહેરમાંથી પસાર થતી મીંઢોળા નદીમાં પાણીની ભરપૂર આવક થઈ છે. મીંઢોળા નદી છલકાતા પશુપાલકોને રાહત થઈ છે. ઉપરવાસ તેમજ જિલ્લામાં પડેલા વરસાદને લઈ નદીઓ બે કાંઠે વહેતી થઈ છે.