રાજ્યમાં ગરમીએ ત્રાહીમામ પોકાર્યો છે. ગુજરાતમાં પાછલા સાત વર્ષોના રેકોર્ડને તોડી ગરમી 50 ડીગ્રીને પાર નોંધાઈ હતી. ત્યારે હવે રાજ્યવાસીઓ કાગ ડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે. તો હવે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી હતી. આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતના છોટા ઉદેપુર જિલ્લામાં આજે સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો.
હવામાન વિભાગે આગામી પાંચ દિવસ વરસાદની આગાહી વ્યક્ત કરી હતી. ત્યારે આજે સરવારથી રાજ્યના કેટલાક વિસ્તારમાં પલટો જોવા મળી રહ્યો છે. તો કેટલાક વિસ્તારમાં મેઘરાજાએ પધરામણી કરી છે. જેમાં છોટા ઉદેપુર જિલ્લાના વાતાવરણમાં આજે વહેલી સવારથી જ પલટો આવ્યો છે અને છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે. આ સાથે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં પણ અસહ્ય બફારા વચ્ચે ગતમોડી રાત્રે મેઘરાજાની પધરામણી થઈ હતી અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. તો બીજી બાજું મધ્ય પ્રદેશમાં રાત્રી દરમિયાન ભારે વરસાદને પગલે કવાંટના ઉમઠીની સાપણ નદીમાં નવા નીર આવ્યા છે.
જગતનો તાત વાવણી માટે તૈયાર!
મેઘની પધરામણી થતાની સાથે જ સોરઠ પંથકમાં ખેડૂતોએ વાવણી કરવા માટે તૈયારી શરૂ કરી દીધી છે. સૌરાષ્ટ્રમાં મગફળીના આગોતરા પાકનું વાવેતર હવે શરૂ થયું છે. મગફળી માટે સાનુકુળ વાતાવરણ સૌરાષ્ટ્રમાં મળી રહે છે. જ્યારે વરસાદના ધીમા આગમને લઈ ખેડૂતોએ વાવાણી શરૂ કરી દીધી છે.