અમદાવાદઃ રાજ્યમાં અનેક જિલ્લાઓમાં મેઘમહેર ચાલુ રહી છે. રાજ્યમાં ક્યાંક મેઘમહેર થઈ છે તો ક્યાંક મેઘકહેર પણ થઈ છે. અત્યાર સુધી રાજ્યમાં સીઝનનો 110 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં કચ્છમાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે. કચ્છ જિલ્લામાં સીઝનનો 226 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. અબડાસામાં માત્ર પાંચ કલાકના ગાળામાં જ 10 ઇંચ વરસાદ વરસ્યો હતો.અબડાસામાં 10 ઇંચ વરસાદ
ભારે વરસાદની આગાહીને પગલે કચ્છના અબડાસામાં ભારે વરસાદ ખાબક્યો હતો. અબડાસામાં માત્ર પાંચ કલાકના ગાળામાં જ 10 ઇંચ વરસાદ વરસતાં રસ્તાઓ ઠેર-ઠેર પાણી ભરાઈ ગયાં હતાં. અબડાસામાં આ વરસાદથી વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે નીચાણવાળા વિસ્તારમાં ભરાયેલાં પાણીથી સ્થાનિક લોકોની મુસીબતોમાં વધારો થયો હતો. અબડાસા ઉપરાંત મુંદ્રામાં ચાર ઇંચ, નખત્રાણામાં ત્રણ ઇંચ, ભૂજ અને લખપતમાં એક-એક ઈંચ વરસાદ પડ્યો હતો.
ભરૂચ જિલ્લાનાં 35 ગામોને એલર્ટ કરવામાં આવ્યાં
ઉપરવાસમાંથી પાંચ ક્યુસેક પાણીની આવક થતાં રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમની સપાટી આજે 131.25 મીટર પહોંચી છે. જેને પગલે નર્મદા ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા છે અને નર્મદા ડેમમાંથી હાલ 3.65 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેને પગલે નર્મદા નદીની સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. સરદાર સરોવરમાંથી પાણી છોડાતાં ભરૂચ જિલ્લાનાં 35 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તંત્ર દ્વારા હાલમાં અંકલેશ્વર, ઝગડિયા અને ભરૂચના કાંઠા વિસ્તારના લોકોને સાવધ રહેવા સૂચના આપવામાં આવી છે.
દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર
દક્ષિણ ગુજરાતમાં બે દિવસના વિરામ બાદ ફરી એક વાર વરસાદ વરસ્યો છે. વલસાડના ઉમરગામમાં 79 મિ.મી વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરવાની સ્થિતી સર્જાઇ છે.. દક્ષિણ ગુજરાતના પાંચેક જિલ્લામાં વરસાદ વરસ્યો છે.
બેરાજા ગામે નદીમાં ઘોડાપૂર
દેવભૂમિ દ્વારકાનાં ખંભાળિયામાં ભારે વરસાદથી બેરાજા ગામે નદીમાં ઘોડાપૂર આવ્યું છે. બેરાજા ગામના કોઝવે પર પાણીનો ભારે પ્રવાહ આવતા પાણીના પ્રવાહમાં એક ઊંટ તણાયું હોવાનો વિડિયો વાયરલ થયો હતો. ખંભાળિયામાં ચાર ઇંચ વરસાદ વરસ્યો હતો. .
દોઢ કલાકમાં ચાર ઇંચ વરસાદ
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. એમાં પણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે ખંભાળિયા તાલુકાના ઉગમણા બારા ગામે આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી. અહીં દોઢ કલાકમાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના પગલે ગામની નદીઓમાં ધસમસતા પૂર આવી ગયાં હતાં.
કચ્છમાં સૌથી વધુ વરસાદ
ઝોન પ્રમાણે જોઈએ તો અત્યાર સુધી કચ્છમાં સૌથી વધુ 226.37 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે સૌરાષ્ટ્ર ઝોનમાં 144.74 ટકા વરસાદ, ઉત્તર ગુજરાતમાં 96 ટકા, દક્ષિણ ગુજરાતમાં 95.20 ટકા અને મધ્ય ગુજરાતમાં 81.59 ટકા વરસાદ વરસ્યો છે.
29, 30 અને 31 ઓગસ્ટે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
રાજ્યમાં અત્યાર સુધી મોસમનો ૧૦૦ ટકાથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે રાજ્યમાં આજથી આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 29, 30 અને 31 ઓગસ્ટે ભારેથી અતિ ભારે વરસાદ પડશે લો પ્રેશર અને સાયક્લોનિક સરક્યુલેશનને કારણે રાજ્યમાં ફરી વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. રાજ્યના દરિયાકાંઠા વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદ વરસી શકે છે.
રાજ્યના 141 ડેમ હાઇ એલર્ટ પર
રાજ્યમાં સતત વરસતા વરસાદને લઈ જળાશયોમાં પાણીની પુષ્કળ આવક થઈ રહી છે. રાજ્યમાં 96 ડેમ નવા નીરથી છલકાઈ ચૂક્યાં છે, જ્યારે 141 ડેમ હાઈએલર્ટ પર છે અને 16 ડેમ એલર્ટ પર છે.