પાસાની જોગવાઈઓમાં મહત્ત્વપૂર્ણ સુધારા કરાશેઃ રૂપાણી

અમદાવાદઃ રાજ્યમાં હવે સાયબર ક્રાઇમ આચરનારા, નાણાં ધીરધાર સામે ગેરકાયદે વ્યાજના હપતા વસૂલવા સહિત શારીરિક હિંસા તેમ જ ધમકી આપવી, જાતીય ગુનાઓ-જાતીય સતામણી જેવી અસામાજિક પ્રવૃત્તિઓ કરનારા ગુનેગારોને કડક સજા અપાવવા માટે પ્રિવેન્શન ઓફ એન્ટિ-સોશિયલ એક્ટિવિટીઝ (PASA-પાસા) એક્ટમાં સુધારાઓ કરવાનો સરકારે નિર્ધાર કર્યો છે.

મુખ્ય પ્રધાન  વિજયભાઈ રૂપાણીએ રાજ્યની શાંત અને સલામતીની આગવી ઓળખને જાળવી રાખવા અને વધુ આગળ ધપાવવાની નેમ સાથે પાસા કાયદામાં મહત્ત્વપૂર્ણ સુધારાઓ કરવાનો નિર્ણય લીધો છે.

 રાજ્યમાં પાસા ૧૯૮પથી અમલી

તેઓ પ્રવર્તમાન સાયબર ટેક્નોલોજીને લગતા ગુનાઓ સહિત જાતિય સતામણી જેવા ગુનાઓને કડક હાથે ડામી દેવા પાસા એક્ટમાં સુધારાના વટહુકમની દરખાસ્ત રાજ્ય પ્રધાનમંડળની આગામી કેબિનેટની બેઠકમાં મૂકવાના છે. રાજ્યમાં ૧૯૮પથી ગુજરાત અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા બાબત અધિનિયમ (પાસા) ૧૯૮પ અમલી છે.

પાસા કાયદાની જોગવાઈઓમાં આ સુધારો અમોઘ શસ્ત્ર

હવે આધુનિક બદલાતી ટેકનોલોજીમાં વિશ્વ સાથે ગુનાખોરીની પ્રવૃત્તિઓમાં પણ ટેક્નોલોજી આધારિત ગુનાઓ-સાયબર ક્રાઇમનું પ્રમાણ વધ્યું છે તેમ જ જાતીય સતામણીના ગુનાઓ પણ વધ્યા છે ત્યારે આ ગુનાઓને ડામવામાં પાસા કાયદાની જોગવાઈઓમાં આ સુધારો અમોઘ શસ્ત્ર બનશે.

પાસા કાયદામાં જે નવી જોગવાઈઓ

આ પાસા કાયદામાં જે નવી જોગવાઈઓ ઉમેરવામાં આવી છે તેમાં નાણાં ધીરધાર સંબંધી ગુનો કરનારાઓની અધિનિયમના પ્રકરણ–૯ હેઠળ શિક્ષાપાત્ર ગુનો કરનાર, ગુનાનો પ્રયત્ન કરનાર, તેમાં મદદગારી કરનાર, લોન અથવા તેના વ્યાજ અથવા તેના હપતા વસૂલવા અથવા લોનના વ્યવહાર સાથે સંકળાયેલા સ્થાવર કે જંગમ મિલકતનો કબજો લેવા હેતુથી શારીરિક હિંસાનો ઉપયોગ કરવો, કે એ માટે ધમકી આપવી, અથવા આવી વ્યક્તિ વતી કોઈ વ્યક્તિ પાસે કામ કરાવવાની બાબતનો પણ સજા પાત્ર જોગવાઈમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

ગુનાઓનું પ્રમાણ ઘટાડવા અને મહિલાઓને સુરક્ષા આપવાની નેમ

રાજ્યમાં જાતીય ગુનાઓનું પ્રમાણ ઘટે અને મહિલાઓને વધુ સુરક્ષિત કરી શકાય એ આશયથી પાસાના કાયદાની  જોગવાઈઓને વિસ્તારવામાં આવી છે. ભારતીય ફોજદારી અધિનિયમ ૧૮૬૦ની વિવિધ કલમો તેમ જ પોક્સોના કાયદા હેઠળના શિક્ષાપાત્ર ગુનો કરે કે એવો પ્રયાસ કરે કે તેમાં મદદ કરે તેવી વ્યક્તિઓને હવે પાસા કાયદાની સજા કરવામાં આવશે.

પાસા હેઠળ કાર્યવાહી

આ અધિનિયમમાં સુધારો થવાથી જુગારની પ્રવૃતિ આચરનાર, સાયબર ગુનેગારો, વ્યાજખોરી તથા જાતીય સતામણીના ગુના જેવા ગુનેગારો સામે પાસાની કાર્યવાહી થઈ શકશે. આ અધિનિયમની હાલની જોગવાઈ પ્રમાણે ભારતીય દંડ સંહિતાના ચેપ્ટર-૧૬ અને ૧૭માં દર્શાવેલા ગુના આચરનાર સામે ભયજનક કેટેગરીમાં પાસાની કાર્યવાહી કરવામાં આવતી હતી. તેમાં હવે ચેપ્ટર-૮ અથવા ૧૬ (કલમ-૩૫૪, ૩૫૪ (એ), ૩૫૪ (બી), ૩૫૪ (સી),  ૩૫૪ (ડી), ૩૭૬, ૩૭૬ (એ), ૩૭૬ (બી), ૩૭૬ (સી), ૩૭૬ (ડી) અથવા ૩૭૭ના સિવાય અથવા ચેપ્ટર-૧૭ અથવા ચેપ્ટર-૨૨ના ગુનાઓ કરનાર સામે પણ પાસાની કાર્યવાહી શક્ય બનશે.