અમદાવાદમાં જર્જરિત મકાન ધરાશાયીઃ એકનું મોત, બે ઘાયલ

અમદાવાદઃ શહેરના કુબેરનગરમાં મોડી રાત્રે બે માળનું  જૂનું મકાન ધરાશાયી થવાની દુર્ઘટના બની હતી.  આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું અને બે લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. ગ્રાઉન્ડ ફ્લોર પર પિલર હટાવાને કારણે આ દુર્ઘટના બની હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.  અમદાવાદના એ-વોર્ડ પાસે આવેલું મકાન જર્જરિત હાલતમાં હતું. જ્યારે બિલ્ડિંગ ધ્વસ્ત થયું ત્યારે આ બિલ્ડિંગમાં ત્રણ જણ હતા. આ મકાનના કાટમાળ નીચે બેથી ત્રણ લોકો દબાઈ ગયા હતા. ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી.

મકાન પત્તાંના મહેલની માફક તૂટ્યું

આ મકાન રાત્રે ધડાકાભેર પત્તાંના મહેલની માફક તૂટી પડ્યું હતું. ફાયરબ્રિગ્રેડે મકાનનો કાટમાળ હટાવવાની કામગીરી શરૂ હતી. બુલડોઝર અને કટરની મદદથી મકાનના કાટમાળને દૂર કરવાની કામગીરી ચાલી રહી હતી. આ ઇમારતના કાટમાળમાં સ્થાનિક લોકોએ બે જણને જીવતા બહાર કાઢીને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.

ફાયર બ્રિગેડ દ્વારા સતત પાંચ કલાક કરતાં વધુ સમય સુધી બચાવ કામગીરી ચાલી હતી. આ મકાન ધરાશાયી થતાં આજુબાજુના રહેવાસીઓમાં ફફડાટ ફેલાયો હતો.