રાજ્યમાં મેઘ તાંડવઃ મોહન નદીમાં ઘોડાપૂર આવ્યું

અમદાવાદઃ મધ્ય પ્રદેશમાં છવાયેલું લો પ્રેશર ધારણા કરતાં વધુ ઝડપથી આગળ વધી રહ્યું છે, જેથી સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં સારોએવો વરસાદ વરસી રહ્યો છે. નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં ભારે વરસાદને કારણે મોટા જાંબુડા નજીકથી પસાર થતી મોહન નદીમાં ઘોડાપૂર આવ્યું છે, જેને કારણે 10 જેટલાં ગામો સંપર્કવિહોણાં બન્યાં છે. આ ઉપરાંત પૂરના પાણીમાં ચેકડેમ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ડેડિયાપાડાના ગ્રામ્ય વિસ્તારો, જેવા કે ગારદા, ખામ, ભૂતબેડા, મોટા જાંબુડા અને મંડાળા સહિત અનેક ગામડાંમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.

બીજી બાજુ, દ્વારકામાં ધોધમાર વરસાદ વરસતાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ખંભાળિયાના બેહ અને બારામાં કોઝવે પરથી પાણીના પ્રવાહમાં એક યુવક તણાયો હતો. સ્થાનિક સરપંચ અને તેમની ટીમે રેસ્ક્યુ કરીને તેને બચાવી લીધો હતો.રાજ્યમાં ગારદા-મોટા જાંબુડા ગામ નજીકથી પસાર થતી મોહન નદીના જળ સ્તરમાં વધારો થતાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. ઉપરવાસમાં ખાબકેલા ભારે વરસાદથી મોહન નદીનો ચેકડેમ પણ છલકાયો છે. કોઝવે પરથી પસાર થતા વાહનવ્યવહાર બંધ કરવાની ફરજ પડી છે.

મધ્ય પ્રદેશ અને મધ્ય ગુજરાતમાં લો પ્રેશરની સાથોસાથ સાઇક્લોનિક સર્ક્યુલેશન પણ સર્જાયું છે. આ સિસ્ટમને કારણે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાત ઉપરાંત કોંકણ ગોવાનાં અમુક સ્થળોએ ભારેથી ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.રાજ્યમાં મેઘમહેરને પગલે નદી-નાળા છલકાયાં છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 43.12 ટકા પાણીનો સંગ્રહ છે.