દોઢ કરોડથી વધારે વિદ્યાર્થીઓનું મેડિકલ ચેક એપ કરાશે

ગાંધીનગરઃ આગામી 25 નવેમ્બરથી રાજ્યમાં શાળા આરોગ્ય કાર્યક્રમની શરુઆત થવા જઈ રહી છે. પ્રાપ્ત વિગતો અનુસાર 25 નવેમ્બર 2019 થી 30 જાન્યુઆરી 2020 સુધી ચાલનારા આ કાર્યક્રમમાં રાજ્યના આશરે 1.5 કરોડથી વધારે બાળકોને આવરી લેવાશે.

આ કાર્યક્રમ અંતર્ગત નવજાત શીશુથી ૬ વર્ષના આંગણવાડીના બાળકો, ધો.૧ થી ૧રમાં અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓ (ખાનગી અને સરકારી), ૧૮ વર્ષ સુધીના શાળાએ ન જતાં બાળકો, આશ્રમશાળા, મદ્રેશા, ચિલ્ડ્રન હોમના બાળકોને ‘4D’ પ્રમાણે આરોગ્ય તપાસ અને આરોગ્યપ્રદ સંસ્કાર-ટેવોનુ નિર્માણ કરી સ્વસ્થ ગુજરાતના નિર્માણ માટે રાજ્યના દોઢ કરોડથી વધારે બાળકોને આવરી લેવાશે.

બાળકોના આરોગ્ય તપાસની સાથેસાથે બાળકોને પોષણક્ષમ આહાર, સ્વચ્છ વાતાવરણ, સલામત પીવાનું પાણી, આરોગ્યપ્રદ ટેવોની સાથે સાથે સંસ્કારોનું સિંચન થાય તેવા બહુવિધ હેતુસર ‘શાળા આરોગ્ય સપ્તાહ’ અભિગમ અપનાવવામાં આવ્યો છે. આ સપ્તાહના કારણે ગામમાં એક આરોગ્યપ્રદ માહોલ ઉભો થશે અને ગ્રામકક્ષાએ કામ કરતા આરોગ્ય, શિક્ષણ, મહિલા અને બાળ વિકાસ, પંચાયત, પાણી પુરવઠા વગેરે વિભાગોની સહભાગીતા ને કારણે આરોગ્ય ઉત્સવનું નિર્માણ થશે તેમજ સમગ્ર વર્ષ દરમિયાન ગ્રામ કક્ષાએ આરોગ્ય ક્ષેત્રે લોક જાગૃતિની પ્રણાલી શરૂ થશે.

આ શાળા આરોગ્ય સપ્તાહ દરમિયાન ડોકટર્સ તેમજ પેરા મેડીકલ અને અન્ય સ્ટાફ મળી કુલ ચાર લાખ સ્ટાફ કાર્યરત રહેશે. ઇન્ડિયન મેડિકલ એસોસીએશન સંગઠનના તબીબો પણ આ કાર્યક્રમમાં જોડાશે. રાજયના આરોગ્ય કર્મીઓને સેટકોમના માધ્યમ દ્વારા આ અભિયાન અંગે જરૂરી તાલીમ આપવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત રાજયના બાળકોની આરોગ્ય તપાસ ઉપરાંત સ્થળ ઉપર સારવાર, જરૂર જણાયે સિવિલ હોસ્પિટલ કે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં વિવિધ રોગોના નિષ્ણાંત ડોકટરોની સંદર્ભ આરોગ્ય સેવા, ચશ્મા વિતરણથી માંડીને તંદુરસ્તી માટેનું જરૂરી એવું આરોગ્ય શિક્ષણ પણ બાળકોને આપવામાં આવશે તેમજ બાળકોને હ્રદય, કીડની અને કેન્સર જેવી ગંભીર બિમારીમાં ઝડપી સારવાર મળી રહે તે માટે ‘સુપર સ્પેશ્યાલીટી’ સારવાર વિના મૂલ્યે આપવામાં આવે છે. શાળા આરોગ્ય કાર્યક્રમમાં બાળકોને ‘સુપર સ્પેશ્યાલીટી’ સારવાર ઝડપથી મળી શકે તે માટે જિલ્લા કક્ષાએ મંજૂરી આપવાની સત્તા આપવામાં આવી છે.