માલદીવ્સનું પ્રતિનિધિમંડળ મુખ્યમંત્રી રુપાણીને મળ્યું

ગાંધીનગરઃ માલદીવ પ્રજાસત્તાક રાષ્ટ્રની સંસદ પીપલ્સ મજલીસના અધ્યક્ષ શ્રીયુત મોહમદ નશીદના નેતૃત્વના સર્વપક્ષીય પ્રતિનિધિમંડળે ગાંધીનગર ખાતે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીની મુલાકાત કરી હતી. માલદીવમાં 87 સદસ્યોનું સંખ્યાબળ ધરાવતી સંસદ પીપલ્સ મજલીસના આ ઓલ પાર્ટી ડેલિગેશનની ગુજરાત મૂલાકાતનો હેતુ રાજ્યના સામુદ્રિક વેપાર વણજ, ઊદ્યોગ વિકાસ તેમજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સ્વાયતતાના અભ્યાસનો છે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ પ્રતિનિધિમંડળને ગાંધી-સરદાર-નરેન્દ્રભાઇ મોદીની ધરતી પર ઉષ્માપૂર્ણ આવકાર આપતાં કહ્યું કે, ઓલ પાર્ટી ડેલિગેશનનો આ પ્રવાસ માલદીવ-ગુજરાત બેયના પરસ્પર સંબંધોની ભૂમિકા વધુ ગાઢ બનાવશે. ૧૬૦૦ કિ.મી. લાંબો સમૂદ્ર કિનારો ધરાવતા ગુજરાતના બંદરો ભારતની સામૂદ્રિક વેપાર પ્રવૃત્તિના પ્રવેશદ્વાર બન્યા છે તેની વિગતો આપતાં જણાવ્યું કે, શિપિંગ અને ફિશીંગ ઇન્ડસ્ટ્રીમાં માલદીવ-ગુજરાત વચ્ચે વિકાસની વિપુલ સંભાવનાઓ રહેલી છે.

માલદીવ સંસદના અધ્યક્ષ મોહમદ નશીદે પણ ગુજરાત સાથે ૧૭ મી ૧૮ મી સદીથી માલદીવના સામૂદ્રિક વેપાર વાણીજ્ય સંબંધો છે તેમજ અન્ય દેશોમાંથી માલદીવના પ્રવાસે આવનારી સૌ પ્રથમ ગુજરાતી કોમ્યુનિટી હતી તેની યાદ તાજી કરી હતી. તેમણે ઉમેર્યુ કે, ગુજરાતથી ફારઇસ્ટના દેશોમાં મોકલવામાં આવતી ચીજવસ્તુઓ-વેપાર વણજ બહુધા માલદીવના સમુદ્ર માર્ગે થઇને જ જાય છે.

આ સંદર્ભમાં માલદીવ સંસદના અધ્યક્ષે માલદીવ ભારત ગુજરાત વચ્ચે દરિયાઇ માલવહન યાતાયાતના સંયોજનની દિશામાં ભારત સરકાર – ગુજરાત સરકાર બેય સકારાત્મક રીતે વિચારે તેવો અનુરોધ કર્યો હતો. તેમણે ઉમેર્યુ કે, માલદીવને મેરિટાઇમ હબ બનાવવાની તેમના રાષ્ટ્રની મનસામાં આ પ્રયાસ મહત્વપૂર્ણ બની રહેશે. મુખ્યમંત્રીએ પણ આ વિષયે વધુ અભ્યાસ કરીને ભારત સરકાર સાથે પરામર્શ કરવાની વાત કહી હતી.