‘છપાક’નાં ટ્રેલર લોન્ચ પ્રસંગે જ્યારે દીપિકા પીડિતાને યાદ કરીને રડી પડી…

મુંબઈ – એસિડ હુમલાનો ભોગ બનેલી છોકરી લક્ષ્મી અગ્રવાલનાં જીવનની સત્યઘટના પર આધારિત હિન્દી ફિલ્મ ‘છપાક’ બનાવી છે નિર્દેશિકા મેઘના ગુલઝારે. એમણે આ ફિલ્મનું ટ્રેલર આજે મુંબઈમાં મિડિયાકર્મીઓ સમક્ષ રિલીઝ કર્યું હતું.

એ પ્રસંગે ફિલ્મની અભિનેત્રી દીપિકા પદુકોણ પણ હાજર રહી હતી અને ફિલ્મમાં પોતાની ભૂમિકા વિશે વાત કરતી વખતે એ ભાવૂક થઈ ગઈ હતી.

‘છપાક’ ફિલ્મ આવતા વર્ષની 10 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે.

ટ્રેલર લોન્ચ પ્રસંગે નિર્દેશિકા મેઘના ગુલઝાર અને અભિનેતા વિક્રાંત સાથે દીપિકા

ફિલ્મમાં દીપિકાએ એસિડ હુમલાનો ભોગ બનતી માલતી નામની છોકરીનો રોલ કર્યો છે.

ટ્રેલર લોન્ચ પ્રસંગે નિર્દેશિકા મેઘના ગુલઝાર અને અભિનેતા વિક્રાંત મેસી પણ હાજર રહ્યા હતા. ફિલ્મમાં વિક્રાંતનું પાત્ર માલતીને એનાં સંઘર્ષમાં છેવટ સુધી સાથ આપે છે.

ફિલ્મમાં માલતીને હુમલાનો ભોગ બન્યા બાદ જીવનમાં ખૂબ સંઘર્ષ કરતી બતાવવામાં આવી છે.

ટ્રેલરમાં માલતી બનેલી દીપિકા એક ડાયલોગ બોલે છે, જે ખૂબ જ લાગણીશીલ અને હૃદયસ્પર્શી છે. એ કહે છે, ‘કેટલું સારું થાત જો બજારમાં એસિડ વેચાતો જ ન હોત.’

એક અન્ય ડાયલોગ છે, ‘એણે મારો ચહેરો બદલી નાખ્યો છે, મારું મન નહીં.’

દીપિકાએ માલતીનો રોલ ભજવવામાં પોતાનો જાન રેડી દીધો છે એવું કહેવું જરાય અતિશયોક્તિભર્યું નહીં કહેવાય.

ફિલ્મમાં દીપિકાનો મેકઅપ પણ કાબિલેદાદ છે. એને કારણે દીપિકા એકદમ એસિડ હુમલાની પીડિતા જેવી જ દેખાય છે.

ટ્રેલરની સાથે ફિલ્મના પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યા હતા.

ટ્રેલર લોન્ચ થયા બાદ #ChhapaakTrailer ટોપ ટ્રેન્ડિંગ બન્યું છે.

દીપિકા છેલ્લે ‘પદ્માવત’ ફિલ્મમાં જોવા મળી હતી.

ટ્રેલર લોન્ચ પ્રસંગે ફિલ્મ સાથે પોતાનાં સંગાથની વાતો કહેતી વખતે દીપિકા રડવાનું રોકી શકી નહોતી. પોતે જ્યારે લક્ષ્મીને પહેલી વાર મળી હતી એ દિવસની યાત એણે તાજી કરી હતી. ‘જ્યારે લક્ષ્મીએ મને જોઈ હતી ત્યારે એને લાગ્યું હતું કે જાણે એ અરીસામાં પોતાને જોઈ રહી છે. હું એ દિવસે ખૂબ જ નર્વસ થઈ ગઈ હતી. મેં આ પહેલી જ વાર એવું પાત્ર ભજવ્યું છે જે હયાત છે,’ એમ ગળામાં ડૂમો ભરાવા છતાં દીપિકાએ બોલવાનું ચાલુ રાખતા કહ્યું હતું.

દીપિકાએ વધુમાં કહ્યું કે, તમને દર વખતે એવી વાર્તા ન મળે જેમાંથી તમે પ્રેરણા મેળવી શકો. આ કોઈ બનાવની વાત નથી. લક્ષ્મી તથા એનાં જેવી બીજી સ્ત્રીઓને હું મળી શકી એને હું મારું નસીબ સમજું છું. મેં એમનો જુસ્સો જોયો, એનું વર્ણન હું શબ્દોમાં કરી શકું એમ નથી.

'છપાક' ફિલ્મ આવતા વર્ષની 10 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે.
ફિલ્મમાં દીપિકાએ એસિડ હુમલાનો ભોગ બનતી માલતી નામની છોકરીનો રોલ કર્યો છે.