સમાજની સમસ્યાઓના નિરાકરણ માટે જૈનોની મહારેલી

અમદાવાદઃ શહેરના પાલડી વિસ્તારથી RTO સુધી જૈનોના તમામ સંઘો દ્વારા એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. શેત્રુંજય પર્વત, સમ્મેત શિખરજી જૈનોનાં મોટા તીર્થધામ ગણવામાં આવે છે. છેલ્લા કેટલાક સમયથી જૈન સમાજ એમનાં તીર્થધામ પર થતાં દબાણો, ગેરકાયદે પ્રવૃત્તિઓ અને અસામાજિક તત્ત્વોના ત્રાસથી પરેશાન છે.

જૈન સમાજના અગ્રણીઓના કહેવા મુજબ શેત્રુંજય મુદ્દે અને અન્ય ધર્મ સ્થાનોના પ્રશ્નોની સરકાર સમક્ષ વારંવાર રજૂઆત છતાં સમસ્યાઓનું નિરાકરણ આવતું નથી. સહિષ્ણુ, શાંતિ પ્રિય જૈન સમાજ સમસ્યાઓના નિરાકરણ માટે રવિવારની સવારે વિશાળ રેલી રૂપે અમદાવાદના પાલડી વિસ્તારથી ગાંધી આશ્રમ -આર.ટી.ઓ સર્કલ સુધી પહોંચ્યો હતો. રેલીનું સ્વરૂપ એટલું મોટું હતું કે પહેલાં આશ્રમ રોડનો એક તરફનો માર્ગ બંધ કરી દેવામાં આવ્યો હતો.

રેલી કલેક્ટર કચેરી નજીક જ્યારે સભામાં ફેરવાઈ ગઈ ત્યારે RTO સર્કલથી આશ્રમ રોડને બંધ કરી બેરિકેડ મૂકી દેવામાં આવ્યા હતા. જૈન સમાજની રેલીમાં નાનાં બાળકો, યુવાનો, મહિલાઓ અને મોટી સંખ્યામાં આચાર્યો – મહારાજ સાહેબ જોડાયા હતા. રેલીમાં જોડાયેલા જૈન સમાજના અગ્રણીઓ અને જૈન મુનિઓએ સમાજને નડી રહેલી સમસ્યાઓ સરકાર સાંભળી અમલ કરે એવી આક્રોશ વ્યક્ત કરી રજૂઆતો કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે રવિવારની સવારથી જ દેશના અમદાવાદ સહિત દિલ્હી, મુંબઈ અને સુરત જેવાં અનેક શહેરોમાં જૈન સમાજની રેલીઓ નીકળી હતી.

(પ્રજ્ઞેશ વ્યાસ)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]