અમદાવાદઃ અમદાવાદ શહેરમાં કોરોનાવાઈરસ મહાબીમારીના ફેલાવાને કારણે લાગુ કરવામાં આવેલા કર્ફ્યુ વચ્ચે આજે સવારે ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવી છે. ભગવાન નગર ચર્યાએ નીકળ્યા છે. રોગચાળાને કારણે રથયાત્રામાં શ્રદ્ધાળુઓને સહભાગી થવાની મનાઈ ફરમાવાઈ છે. મંગળા આરતી બાદ જગન્નાથ, સુભદ્રા અને બલભદ્ર ત્રણ રથ પર બિરાજમાન થયાં હતાં. ગુજરાત રાજ્યના વડા તરીકે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પહિંદ વિધિ કરી હતી અને રથયાત્રાનો વિધિવત રીતે પ્રારંભ કરાવ્યો હતો. એમણે કહ્યું કે, ભગવાન જગન્નાથના ગુજરાત ઉપર ખૂબ આશીર્વાદ રહે અને આપણું ગુજરાત કોરોના-મુક્ત બને, તથા આ મહામારીમાંથી સૌથી પહેલા ગુજરાત બહાર નીકળે તેવી ભગવાનને પ્રાર્થના.
રથયાત્રા નીકળી એ પૂર્વે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે વહેલી સવારે અહીંના જગન્નાથ મંદિરમાં મંગળા આરતી કરી હતી. ત્યારબાદ મંદિરની વાર્ષિક રથયાત્રા કાઢવામાં આવી હતી. જોકે કોરોનાવાઈરસ મહાબીમારીના ફેલાવાને કારણે રથયાત્રાને મર્યાદિત રાખવામાં આવી છે. મંદિરની બહાર સુરક્ષાનો અત્યંત કડક બંદોબસ્ત ગોઠવવવામાં આવ્યો છે. ટ્વિટર પર એમણે લખ્યું છે કે, જગન્નાથજીની રથયાત્રાના પાવન પ્રસંગે હું ઘણા વર્ષોથી અમદાવાદના જગન્નાથ મંદિરમાં મંગળા આરતીમાં ભાગ લઈ રહ્યો છું અને દર વખતે અહીં એક અલગ ઉર્જાની પ્રાપ્તિ થાય છે. મને આજે પણ મહાપ્રભુની આરાધના કરવાનુ સૌભાગ્ય મળ્યું છે. મહાપ્રભુ જગન્નાથ હંમેશાં દરેક ઉપર તેમની કૃપા અને આશીર્વાદ વરસાવે.