સુરત: પ્રવર્તમાન રાષ્ટ્રીય લૉકડાઉનમાં સેવાની સરવાણી ચારેકોર ફૂટી નીકળી છે. સાવ સામાન્ય થી લઈ ખાસ લોકો પોતાની રીતે લોકોની સેવા કરે છે. ગરીબ, લાચાર, ફૂટપાથ ઉપર રહેતા શ્રમજીવીઓને સંસ્થાઓ બે ટંક જમવાનું પહોંચાડી રહી છે.
આ બધામાં જે લોકો જમવાનું પહોંચાડી રહ્યા છે એમની સામે અનેક પ્રશ્નો આવે છે. ખીચડી અને પુલાવ સૌથી વધુ લોકો બનાવીને વિતરિત કરે છે, કારણ એ બનાવવામાં અને વિતરિત કરવા બંનેમાં સરળ છે. પણ રોજ આવા ભોજન ઉપર નિર્ભર લોકો સેવા કરનાર પાસે કંઈક અલગ ભોજનની માંગ કરતા હતા. સુરતના ઐતિહાસિક કિલ્લા નજીક આવેલા ચોક વિસ્તારમાં લૉકડાઉન શરુ થયું ત્યારથી એક ભંડારો હજરત દેવલશા પીર દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે. રોજ 700 ભૂખ્યાને ભોજન આપવાનું અહીં કાર્ય કરતા કન્વીનર શબ્બીર ચાહવાલા, સહ કન્વીનર મુસદ્દીક કાનુન્ગો, ઈમરાન મલબારી, ઈમરાન પઠાન, મોહમ્મદખાન, કાસીમ મલેક, યુસુફ આમલેટ, નઈમ શેખ, હનીફ કચ્છી, યુસુફ લંગરી, યુસુફ કુરેશી, મુદશ્શર જરીવાલા, બશીર મલબારી જેવાએ માથે ઉપાડ્યું છે. આ લોકોના ભંડારામાં જમતા લોકોએ કંઈક અલગ ખાવાની ઈચ્છા વ્યક્ત કરી અને આ સુરતી યુવાનોએ ઈચ્છાને પરિપૂર્ણ કરી એ પણ સુરતી સ્ટાઈલમાં.
આ બધા સુરતી યુવાનોને આજે થયું કે ખીચડી-પુલાવ ખાઈને કંટાળેલા આ શ્રમજીવીઓને કંઈક અલગ અનોખું ખવડાવીએ બસ પછી શું, રોજ એક જગ્યાએ બનતા કિચનને ફરતું કરી નાખ્યું. એક લારીમાં ત્રણ તવા સાથે ફરતું કિચન તૈયાર કર્યું અને આ શ્રમજીવી જે નહેરુ બ્રિજ ઉપર બેસે છે ત્યાં જઈ ઈંડાની એકદમ ગરમ આમલેટ બનાવી ને એમને પીરસી. પાઉં-આમલેટ ખાઈને આ શ્રમજીવીઓ તો રાજી થઇ ગયા. ખાવા અને ખવડાવામાં સુરતીઓ હંમેશા અવ્વલ જ રહેવાના છે. સુરતના ઐતહાસિક કિલ્લો આજે એવા જ એક સુરતી મિજાજનો સાક્ષી બન્યો.
શબ્બીરભાઈ ચાહવાલા કહે છે, ચોકબજાર સ્થિત હજરત દેવલશા પીર દરગાહ ટ્રસ્ટ સંચાલિત લંગરમાં રોજ મજૂરી ઉપર કામ કરતા મજૂર-શ્રમિકોને ભરપેટ જમવાની વ્યવસ્થા કરીએ છીએ, અમારો આ ભંડારો લૉકડાઉનના પ્રથમ દિવસથી ચાલે છે. કોરોના વાયરસના સંક્રમણથી બચવા તકેદારીના પગલા સ્વરૂપે મજૂરોને એકબીજાથી 1 મીટર જેટલું અંતર રાખીને બેસાડવા તેમજ સેનેટાઇઝરથી હાથ સાફ કરાવ્યા પછી કન્ટેનરમાં શુદ્ધ અને હાઈજેનિક ફુડ પિરસવામાં આવે છે. આ પ્રક્રિયા દરમિયાન સોશિયલ ડિસ્ટનસિંગનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે.
વાત તો સેવાની જ છે પણ આવી સેવા તો સુરતી જ વિચારી શકે. સેવા કરવી એ પણ દિલ દિલથી તે આનું નામ, આપનાર અને લેનાર બંને રાજી, સલામ સુરત
(ફયસલ બકીલી)