અમદાવાદઃ બાંધકામ અને સ્પેશિયલિટી કેમિકલ્સ ક્ષેત્રે જાણીતી કંપની પિડિલાઇટ ઇન્ડસ્ટ્રીઝે પિડિલાઇટ વુડવર્કિંગ એન્ડ પ્લમ્બિંગ સેન્ટર ફોર એડવાન્સ સ્કિલ્સ (PWP) શરૂ કરવા રાજ્ય સરકારની કૌશલ્યા – ધ સ્કિલ યુનિવર્સિટી (KSU) સાથે જોડાણ કર્યું છે. આ સુવિધાનું તાજેતરમાં મંત્રી બળવંતસિંહ રાજપૂત, ઉદ્યોગો, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો, કુટીર, ખાદી અને ગ્રામીણ ઉદ્યોગો, નાગરિક ઉડ્ડયન, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, રાજ્ય સરકાર દ્વારા ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું.
દેશમાં પ્રથમ વખત, PWP સેન્ટર એડવાન્સ વુડવર્કિંગ અને પ્લમ્બિંગ સ્કિલ માટે હબ તરીકે ઊભરી આવ્યું છે. પિડિલાઇટ અને KSU દ્વારા આ અગ્રણી પહેલ આ ક્ષેત્રોમાં કુશળ પ્રોફેશનલ્સની વધતી માગને સંબોધિત કરે છે. CNC મશીનો, બેન્ડસો, કોલ્ડપ્રેસ સહિત અત્યાધુનિક મશીનરીથી સજ્જ આ સેન્ટર ફ્રેશર્સ અને અનુભવી પ્રેક્ટિશનર્સ માટે અનુરૂપ ડિગ્રી, ડિપ્લોમા અને સર્ટિફિકેટ કોર્સ ઓફર કરે છે. પ્રશિક્ષકોની તાલીમ, રિસર્ચ અને સ્કીલ હરીફાઈ માટે સમર્થન પર ભાર મૂકતા, PWP દેશમાં કૌશલ્ય વિકાસ માટે એક નવું ધોરણ નક્કી કરે છે.
આ જોડાણ અંગે વાત કરતાં કરતાં કંપનીના CSR અને સ્પેશિયલ પ્રોજેક્ટ્સ સિનિયર વાઈસ પ્રેસિડન્ટ ડો. પંકજ શુક્લાએ જણાવ્યું હતું કે પિડિલાઇટ વુડવર્કિંગ એન્ડ પ્લમ્બિંગ સેન્ટર ફોર એડવાન્સ સ્કિલ્સ (PWP) એ એક નોંધપાત્ર સીમાચિહ્નરૂપ છે, જે પિડિલાઇટની તાલીમ અને નવી સ્કિલ પ્રત્યે મજબૂત પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. પિડીલાઈટ અને KSU વચ્ચેનું જોડાણ વુડવર્કિંગ અને પ્લમ્બિંગ સેક્ટરને ઉચ્ચ કૌશલ્ય ધરાવતા પ્રોફેશનલ્સ સાથે સશક્ત બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું દર્શાવે છે, જે ઉદ્યોગની વિકસતી માગને પહોંચી વળવા માટે તૈયાર છે.