રાજકોટઃ અત્રેની કોવિડ-19 હોસ્પિટલમાં આગ લાગવાનો એક વધુ બનાવ બન્યો છે. શહેરના માલવિયાનગર વિસ્તારમાં આવેલી ઉદય શિવાનંદ હોસ્પિટલમાં ગઈ મોડી રાતે આગ લાગી હતી. આ દુર્ઘટનામાં પાંચ દર્દીઓનાં મૃત્યુ થયાનો અહેવાલ છે. આ કોવિડ-19 હોસ્પિટલમાં કુલ 33 જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા. જેમાંથી 11 દર્દીને ICUમાં રાખવામાં આવ્યા હતા. એમાંના છ દર્દીને બચાવી લેવામાં આવ્યા છે.
રાજકોટમાં ઉદય હોસ્પિટલના બીજા માળે મશીનરીમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનો પ્રાથમિક અંદાજ છે. હજી સપ્ટેમ્બર મહિનામાં જ ઉદય હોસ્પિટલને કોરાનાના દર્દીઓની સારવાર માટે મંજૂરી આપવામાં આવી હતી.
મુખ્ય પ્રધાને સહાય જાહેર કરી
રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ઉદય હોસ્પિટલમાં આગ લાગવાની દુર્ઘટનાથી મૃત્યુ પામેલા વ્યક્તિઓ પ્રત્યે સંવેદના પ્રગટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું અને આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારી પ્રત્યેક વ્યક્તિઓના વારસદારને રૂ. ચાર લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત તેમણે આ ઘટનાની તપાસ માટે પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના અધિક મુખ્ય સચિવ એ. કે. રાકેશને જવાબદારી સોંપી છે. આ આગની દુર્ઘટનામાં સંજયભાઈ રાઠોડ, કેશુભાઇ અકબરી, રામસિંહભાઇ, નીતિનભાઇ બાદાણી અને રસિકલાલ અગ્રવાત દર્દીનાં મોત થયાં છે.
આ મામલે મ્યુનિસિપિલ કમિશનર ઉદિત અગ્રવાલે કહ્યું છે કે સમગ્ર ઘટનામાં બેદરકારી દાખવનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ હોસ્પિટલના 22 દર્દીઓ ICUમાંથી રેસ્ક્યુ કરવામાં આવેલા અન્ય છ દર્દીઓને કુવાડવા રોડ પર આવેલી ગોકૂલ હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.