સ્વસ્થ, યુવાઓ પર ‘કોવેક્સિન’ની ટ્રાયલ કરાશેઃ નીતિન પટેલ

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશ અને દુનિયામાં કોરોના વાઈરસ બીમારી-વિરોધી વેક્સિન ક્યારે આવશે તેની પર સૌની મીટ મંડાયેલી છે. ત્યારે ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે આજે અમદાવાદની કિડની હોસ્પિટલની મુલાકાત લીધી હતી. નીતિન પટેલ, જે આરોગ્યપ્રધાનનો હોદ્દો પણ ધરાવે છે, તેમણે કોરોનાની વેક્સિનના ટ્રાયલ અંગે જણાવ્યું હતું કે ભારત બાયોટેક કંપનીની વેક્સિન ‘કોવેક્સિન’ની અજમાયશ જુદા-જુદા રાજ્યમાં કરવામાં આવશે. ગુજરાતમાં એ માટે સોલા સિવિલ હોસ્પિટલની પસંદગી કરવામાં આવી છે.

તેમણે ઉમેર્યું હતું કે સોલા સિવિલમાં ‘કોવેક્સિન’ના 500-ડોઝ (શોટ્સ)નું કન્સાઈનમેન્ટ ગઈ કાલે આવી ગયું છે. ગુજરાતમાં પણ સ્વસ્થ અને યુવા નાગરિકોને પસંદ કરી તેમના પર ટ્રાયલ કરવામાં આવશે. એક મહિનામાં બે ડોઝ આપી તેમને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવશે. એ વેક્સિન સાથે ડોક્ટરની ટીમ પણ આવી છે. જે ગુજરાતના તબીબોને વેક્સિન આપવાની ટ્રેનિંગ આપશે. સ્વયંસેવકોનું લિસ્ટ પણ તૈયાર થયું છે. વેક્સિન લેનારાઓના ઘરે તેમની તબિયત અંગે કાળજી લેવામાં આવશે. એક વર્ષ સુધી વેક્સિનની ટ્રાયલ ચાલશે. અમદાવાદની સોલા સિવિલમાં હાલ ટ્રેનિંગ ચાલી રહી છે. ટ્રાયલ માટે હેલ્થ વર્કરોને પણ જરૂર પડે તો સાંકળવામાં આવશે.તેમણે વધુમાં કહ્યું હતું કે આ વેક્સિનની ટ્રાયલ માટે સોલા સિવિલની પસંદગી થઈ એ આપણા માટે ગૌરવની વાત છે. ગુજરાત પણ કોરોનાની વેક્સીન શોધવાની ભૂમિકામાં સામેલ છે. કોરાના સિવાયના દર્દીઓ માટે પણ સરકાર ચિંતિત છે અને તમામની સારવાર ચાલી રહી છે. સરકારી હોસ્પિટલમાં ૮૦ હજાર દર્દીઓ માટે ઓપીડી ચાલુ છે. આ વેક્સિનના ટ્રાયલ માટે સ્વયંસેવકો આગળ આવે એ માટે તેમને આવકારવામાં આવ્યા છે. તેમ જ વેક્સિનના 500 ડોઝ ગઈ કાલે આવી ગયા છે અને એને કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવી છે. ભારત બાયોટેક કંપની ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રીસર્ચ (ICMR)ના સહયોગમાં સ્વદેશી રીતે ‘કોવેક્સિન’ બનાવી રહી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]