ડૉક્ટર બનવાનું એનું સપનું સાકાર કર્યુ શિક્ષકોએ

દિવાળીમાં દીવડા ઝળહળે ને અંધકાર જાણે અજવાળા સામે ઘૂંટણિયે પડે, પણ આ જગતમાં કેટલાક દીવા એવા પણ છે, જેની વાટ કોઈ પૂજાની થાળીમાં નથી હોતી… એ તો કોઈના હૃદયમાં, કોઈના નિરાશ મનમાં, કોઈની એકલતામાં, કોઈની લાચારીમાં તો કોઈના જીવનસંઘર્ષની કાળી રાતમાં પ્રગટે છે!

એ કોઈના અંધકારભર્યા રસ્તે આશાનું એક નાનકડું કિરણ બનીને ઊભા રહે છે.

આ દિવાળીએ, વાત કરીએ આવા કેટલાક આવા દીવડાની, જેમણે પોતાની સંવેદનાના અજવાસથી બીજાનાં જીવનમાં ઉજાસ રેલાવ્યો છે…

વર્ષ 2012ની વાત. અમદાવાદના સરસપુર વિસ્તારની મ્યુનિસિપલ પ્રાથમિક શાળા નં. 21માં ભણતી હીના ડોડિયાને રડતી જોઈ શિક્ષિકાએ પૂછ્યું, ‘બેટા, કેમ રડે છે?’ ડૂસકાં ભરતાં હીનાએ કહ્યું: ‘મમ્મીની યાદ આવી.’ માતા દક્ષાબહેનના મૃત્યુથી વ્યથિત હીનાને શિક્ષિકાએ સાંત્વન આપીને કહ્યું, ‘બેટા, અમે શિક્ષકો તારી સાથે છીએ. કોઈ મુશ્કેલી હોય તો કહેજે.’

આ અરસામાં શિક્ષિકોએ જાણી લીધું કે હીનાને ડૉકટર બનવું છે. થોડા દિવસ બાદ નવી મુશ્કેલી આવી. હીનાના પિતા અશોકભાઈને કૅન્સરનું નિદાન થયું. સંતાનમાં બે દીકરી હીના અને અંજલિ. પિતાની સારવાર માટે સિવિલ હૉસ્પિટલની દોડધામ, ઘરકામ, નાની બહેન અંજલિ અને પોતાનો અભ્યાસ… અચાનક આવી પડેલી આ મહાજવાબદારી નિભાવવાનું હીનાએ ધીરે ધીરે શીખી લીધું. એ કહે છે, ‘પપ્પાને બે વર્ષમાં ચાર સર્જરી કરાવી. મારા અભ્યાસ અને પિતાની સારવાર માટે શાળાના આચાર્ય કેતન પાટડિયા અને શિક્ષકો સોનલબહેન સંઘવી-પલકબહેન પટેલ-મનીષાબહેન પ્રજાપતિ-ચિરાગ જનસારી-રાકેશ પંચાલે
સ્વેચ્છાએ આર્થિક મદદ કરી, પરંતુ સારવાર સેવા લેખે ના લાગી. 2015માં પિતાનું અવસાન થયું… મમ્મીના મૃત્યુના ત્રણેક વર્ષ પછી.’

એ વખતે હીના આઠમા ધોરણમાં અને અંજલિ છઠ્ઠામાં ભણતી. બંનેને કાકા-કાકીએ પોતાના ઘેર રાખીને સંભાળ લીધી. ભણવામાં હોશિયાર હીનાને શિક્ષકોએ સ્વજનથી સવાયા બનીને હૂંફ, હિંમત અને માર્ગદર્શન આપ્યાં. નવમા ધોરણમાં એ સરસ્વતી વિદ્યામંડળમાં ભણતી. એનાં આચાર્યા હેતલબહેન શાસ્ત્રી પુસ્તકો આપતાં.

દસમામાં હીનાના સારા પર્સન્ટેજ આવ્યા, પરંતુ ડૉક્ટર બનવું હોય તો અભ્યાસમાં ઘણો ખર્ચ થાય એટલે એણે સંક્લ્પ બદલ્યો. વિચાર્યુ કે આર્ટસ ગ્રૅજ્યુએટ થઈને સરકારી નોકરી માટે પરીક્ષા આપવી. નોકરી મળે તો નિરાંત.

સામાન્યપણે શિક્ષક ફી, પુસ્તક અને યુનિફૉર્મ માટે મદદ કરે, પરંતુ બીજી શાળામાં ભણતા પૂર્વ વિદ્યાર્થીના અભ્યાસથી માંડીને કારર્કિદી માટે કાળજી દાખવે એવું ભાગ્યે જ બને, પરંતુ મ્યુનિસિપલ શાળાના શિક્ષકોએ પ્રોત્સાહન આપીને હીનાને સાયન્સમાં ઍડમિશન કરાવ્યું. એને બારમામા સારા ટકા આવ્યા એટલે ડૉક્ટર થવાનો રસ્તો ખૂલી ગયો. પરંતુ મુશ્કેલી એક કદમ આગળ આવીને ઊભી હતી.

એ કહે છે, ‘ઍડમિશન માટેના ફાઈનલ રાઉન્ડમાં તરત 70 હજાર રૂપિયા ફી ભરવાની હતી. મારી પાસે 50 હજાર રૂપિયાનોનો ડિમાન્ડ ડ્રાફ્ટ હતો. મારી પાસે સાદો ફોન અને સાથે સ્વજન કોઈ નહીં. અનેક વિદ્યાર્થી સાથે માતા-પિતા આવ્યાં હતાં. અને, હું એકલી… નિસહાય હતી. પૂરતા પૈસા ન હોવાના લીધે મારે હોમિયોપથીમાં ઍડમિશન લેવું પડ્યું. અન્યથા એમબીબીએસમાં ઍડમિશન મળી જાત. જો કે હોમિયોપથી ભણવાથી હતાશ નથી થઈ.’

એને આણંદની ડો. વી.એચ. દવે હોમિયોપથી મેડિકલ કૉલેજમાં ઍડમિશન મળ્યું. શરૂમાં અપડાઉન કર્યુ. પછી અંજલિને આણંદ બોલાવી લીધી. બંને આણંદની સમરસ હૉસ્ટેલમાં રહીને ભણતાં. થોડા જ દિવસ પહેલાં હીના ડોડિયા હોમિયોપેથી ડૉક્ટર બની. હાલ એ ઑનલાઈન કન્સલ્ટેશન કરે છે. હવે હીનાને એમ.ડી કરવું છે. શિક્ષકોની આ માટે તનમનધનનો સહયોગ આપવાની તૈયારી છે. ડૉ. હીના ડોડિયા ચિત્રલેખાને કહે છે, ‘શિક્ષકોને હું ફોન કરું એટલે મારું કામ કરી આપે. આર્થિક સહયોગ સાથે બધાએ માનસિક સધિયારો પણ આપ્યો.’

વાતવાતમાં ડો. હીનાએ ગુણિયલ સ્વભાવનો પરિચય આપ્યો. ‘મારે ભવિષ્યમાં સ્વતંત્ર કિલનિક કરવું છે. એની આવકમાંથી શિક્ષકોએ આપેલી સહાય માનભેર પરત કરીશ. હું નસીબદાર છું કે આવા શિક્ષકો મળ્યા. ડોક્ટર થવાનું સ્વપ્ન એમણે સાકાર કરી આપ્યું.’

શિક્ષક જીવનનો રાહ બતાવે, જયારે અમદાવાદના શિક્ષકોએ એક ડગલું આગળ વધીને અનાથ બાલિકાના અભ્યાસ અને અરમાન પૂરાં કરી આપ્યાં.

(મહેશ શાહ -અમદાવાદ)