રાજકોટઃ ભાજપના ઉમેદવાર અને કેંદ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજ આકરા પાણીએ છે. એક બાજુ સમાજ દ્વારા રાજકોટમાં વિશાળ રેલી યોજવામાં આવી છે. બીજી બાજુ પ્રદેશાધ્યક્ષ પાટીલના કાર્યક્રમમાં ક્ષત્રિઓએ જોરદાર હંગામો કર્યો હતો. ત્રીજી બાજુ રૂપાલાએ પણ ચૂંટણીપ્રચાર શરૂ કરી દીધો છે.
રાજકોટના રેસકોર્સથી રાજપૂતોએ વિશાળ રેલી કાઢી હતી. આ રેલી કલેક્ટર કચેરીએ પહોંચી હતી. રૂપાલની ટિકિટ રદ કરોના સૂત્રોચ્ચાર સાથે રેલી નીકળી હતી. પુરુષો કેસરી સાફા અને મહિલાઓ કેસરી સાડીમાં જોવા મળી હતી. ક્ષત્રિય સમાજની એક જ માગ છે કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે. કલેક્ટર કચેરી બહાર લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે
લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામેનો વિરોધ દિન-પ્રતિદિન ઉગ્ર બની રહ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયામાં ભાજપના પ્રદેશપ્રમુખ સી. આર. પાટીલના કાર્યક્રમમાં પણ ક્ષત્રિયોએ ખુરશીઓ ઉછાળી હતી, પરંતુ સાથે જ પાટીલને કાળા વાવટા પણ બતાવ્યા હતા.
ભાજપના સ્થાપના દિન છે ત્યારે સી.આર. પાટીલ ખંભાળિયામાં પક્ષના કાર્યાલયના ઉદઘાટન માટે આવેલા હતા, પરંતુ રૂપાલાની ટિકિટ પાછી ખેંચવામાં આવે તેવી માગ સાથે ટોળાંએ આ કાર્યક્રમમાં સી.આર. પાટીલનો વિરોધ કર્યો હતો. જોકે પોતાને તમામ સમાજનો ટેકો હોવાના દાવા સાથે રૂપાલાએ શુક્રવારથી ચૂંટણી પ્રચાર પણ શરૂ કરી દીધો હતો.
ભાજપે રૂપાલા ક્ષત્રિયોની માફી માગી ચૂક્યા છે તેવી વાત કરીને સમગ્ર મામલાને ઠંડો પાડવાના અનેક પ્રયાસ કર્યા છે, પરંતુ ક્ષત્રિયો હજુય પોતાની માગણી પર અડગ છે. રાજકોટ કરણી સેનાના પ્રમુખ કિરપાલસિંહ ઝાલાએ આ અંગે જણાવ્યું હતું કે આ લડાઈ ક્ષત્રિયોના સ્વમાનની છે.