કેજરીવાલ ‘પરિવર્તન યાત્રા’ના પૂર્ણાહુતિ કાર્યક્રમમાં હાજર રહેશે

અમદાવાદઃ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનાં પડઘમ વાગવા માંડ્યા છે. જેથી રાજકીય પાર્ટીઓના નેતાઓના રાજ્યના પ્રવાસમાં વધારો થઈ રહ્યો છે. દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ છઠ્ઠીએ ગુજરાતની મુલાકાત લેશે. આમ આદમી પાર્ટી દ્વારા હાલમાં રાજ્યમાં છ ઝોનમાં પરિવર્તન યાત્રા શરૂ કરવામાં આવી હતી.

રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠક પર 15 મેથી આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રાની શરૂઆત કરવામાં આવી છે. આપની પરિવર્તન યાત્રા છઠ્ઠી જૂને મહેસાણામાં પહોંચશે. સોમનાથ, દ્વારકા, અબડાસા, સિદ્ધપુર, દાંડી અને ઉમરગામથી આ પરિવર્તન યાત્રા શરૂ થઈ હતી.  જેથી આપના ચૂંટણી મિશનના ભાગરૂપે કેજરીવાલ રાજ્યની મુલાકાત લેવાના છે. તેઓ આપના પૂર્ણાહુતિ કાર્યક્રમમાં હાજરી આપશે. આ ઉપરાંત તેઓ ઉત્તર ગુજરાતમાં ચૂંટણીપ્રચાર કરશે અને પાટીદારોને રીઝવવાના પ્રયાસ કરશે. તેઓ અહીં જંગી જાહેર સભાને સંબોધવાના છે.

આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યના છ ઝોનમાં 15 મેથી પરિવર્તન યાત્રા શરૂ કરવામાં આવી છે. આ યાત્રાના સમાપન કાર્યક્રમમાં કેજરીવાલ છઠ્ઠી જૂને રાજ્યમાં આવશે. કેજરીવાલનો  છેલ્લા બે મહિનામાં આ ચોથો પ્રવાસ હશે. તેઓ ચૂંટણપ્રચારના ભાગરૂપે અમદાવાદ કે મહેસાણામાં એક રેલી કરે એવી શક્યતા છે. બેરોજગારી, ખેડૂત, શિક્ષણ, મહિલાઓના મુદ્દાઓ લઈ આપ પાર્ટીએ ગુજરાતમાં પરિવર્તન યાત્રા કાઢી છે. રાજ્યના 10 લાખ લોકો સુધી પરિવર્તન યાત્રા પહોંચી છે, એમ આપ પક્ષે દાવો કર્યો હતો.