કેજરીવાલ, માનની વડોદરામાં તિરંગા યાત્રા, સુરતમાં જનસભા

અમદાવાદઃ દિલ્હીના મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માનની સાથે ગુજરાતની બે દિવસની મુલાકાતે છે. કેજરીવાલ અને માન દાહોદ જિલ્લાના નવજીવન કોલેજના પ્રાંગણમાં એક વિશાળ જનસભાને સંબોધશે. આ જનસભા સંબોધ્યા પછી બંને નેતાઓ AAP દ્વારા આયોજિત વડોદરામાં તિરંગા યાત્રામાં ભાગ લેશે.

આ બંને નેતાઓ આવતી કાલે વલસાડ જિલ્લાના ધરમપુર અને સુરતના કડોદરામાં જનસભા સંબોધશે. આપના રાષ્ટ્રીય મહા સચિવ સોરઠિયાએ કહ્યું હતું કે તેઓ સામાજિક નેતાઓ સાથે પણ મુલાકાત કરશે અને આગામી ચૂંટણીની વ્યૂહરચનાના ભાગરૂપે રાજ્યના નેતાઓની સાથે એક મહત્ત્વની બેઠક કરશે.

દિલ્હીના મુખ્ય પ્રધાન વિધાનસભાની ચૂંટણીમાં એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. તેઓ આશરે દર 10 દિવસમાં ગુજરાતની વિવિધ સ્થળોની મુલાકાત લઈ રહ્યા છે. સોશિયલ મિડિયા પર કેજરીવાલ ગુજરાત ચૂંટણીને લઈને ભાજપ પર નિશાન સાધી રહ્યા છે. બે દિવસ પહેલાં કેજરીવાલે દાવો કર્યો હતો કે ગુજરાતના દરેક જિલ્લામાં ભાજપે એક મુખ્ય પ્રધાન અથવા એક કેન્દ્રીય પ્રધાનને જવાબદારી સોંપી છે.  તેમણે એને ભાજપનો ડર જણાવ્યો હતો.

તેમણે ભાજપ પર નિશાન સાધતાં કહ્યું હતું કે રાજ્યના લોકો ઝડપથી આમ આદમી પાર્ટીનો હાથ પકડી રહ્યા છે. તેમણે ટ્વીટ કરતાં કહ્યું હતું કે લોકો ભાજપથી બહુ નારાજ છે, જેથી લોકો આપ પાર્ટીને પસંદ કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે ભાજપ દિલ્હીમાં મફત વીજળીની ગેરન્ટીને અટકાવવા ઇચ્છે છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું હતું કે ગુજરાતી લોકોને આપની મફત વીજળી ગેરન્ટી ખૂબ પસંદ આવી રહી છે. ગુજરાતના લોકો- હું તમને ગેરન્ટીથી કહું છું કે સરકાર બનવા પર પહેલી માર્ચથી તમારી વીજળી મફત થશે.