જૂનાગઢમાં પોલીસ અને પત્રકારોના ઘર્ષણ મામલે ઉગ્ર દેખાવો

0
1024

જૂનાગઢ- જૂનાગઢમાં રવિવારે સ્વામી નારાયણ મંદિર- રાધારમણ દેવ ટેમ્પલ બોર્ડની ચૂંટણી હતી. જેના કવરેજ માટે રાજકોટથી વિવિધ ચેનલના પત્રકારો-કેમેરામેન ગયાં હતાં. સાંજે ચૂંટણી પૂર્ણ થયા પછી પોતાનું કામ કરી રહેલા કેમેરામેન અને પોલીસ કર્મચારી વચ્ચે ઘર્ષણ થયું હતું. જો કે લાઠી વિંઝવી પડે એવું કોઇ વર્તન કેમેરામેન કે પત્રકાર તરફથી શરુઆતમાં થયું નહોતું. પોલીસે એમને કહ્યું કે અમે ફરજ પર છીએ તો કેમેરામેને સામે દલીલ કરી હતી કે અમે પણ ફરજ પર છીએ. પોલીસ કર્મચારીએ ધક્કા મારીને કેમેરા પર હાથ મારતાં કેમેરામેન અને પત્રકાર ઉશ્કેરાયા હતાં. પરંતુ ત્રણથી ચાર પોલીસ કર્મચારી લાકડી લઇને આ પત્રકારો પર જાણે એ લોકો આરોપી કે ગુનેગાર હોય એ રીતે તૂટી પડ્યા હતાં.

લાકડી માર્યા પછી પણ પત્રકારો સાથે એમનું વર્તન ઉગ્રતાવાળું હતું. આ ઘટનાના પગલે જૂનાગઢના પત્રકારોમાં અને રાજકોટથી કવરેજમાં ગયેલા પત્રકારોમાં રોષ ફેલાયો હતો. રાજકોટથી ફોટોગ્રાફર એસોસિએશનના હોદ્દેદારો, વિડિયોગ્રાફર્સ-કેમેરામેન સૌ કોઇ તાબડતોબ જૂનાગઢ દોડી ગયા હતાં. જૂનાગઢના એસ.પી.ની ઓફિસ પર આ પત્રકારો આખી રાત ધરણાં પર બેઠાં હતાં અને પત્રકારો પર લાઠી વિીઝનાર પોલીસ સામે આકરાં પગલાં લેવા માગણી કરી હતી. આખી રાત દરમિયાન ગામેગામ આ સંદેશ ફેલાતાં જેતપુર, વીરમગામ અને રાજકોટમાં પણ ઉગ્ર પ્રત્યાઘાત સાથે કલેક્ટર કે સંબંધિત અધિકારીને આવેદનપત્ર પાઠવાયું હતું. વિવિધ રાજકીય પક્ષોએ પણ આ મુદ્દે પત્રકારોને ટેકો જાહેર કર્યો હતો.

લોકશાહીની ચોથી જાગીર એવી મીડિયા ઉપરના હુમલાના વિરોધમાં રાજકોટમાં 150 ફૂટ રિંગરોડ ઉપર શહેરના નાગરિકો દ્વારા કાળી પટ્ટી અને કાળા વાવટા ફરકાવી વિરોધ કરવામાં આવ્યો હતો. વીરમગામમાં પણ પત્રકાર મિત્રોએ આવેદનપત્ર આપ્યું હતું.

જેમાં જણાવાયું કે જૂનાગઢમાં પત્રકારો પરના હુમલાને આપણે ગુજરાતના પત્રકારો વખોડી કાઢીએ છીએ. અત્યાચારનો  વિરોધ કરવા અને પત્રકારોની સુરક્ષા માટે કાયદો બનાવવાની માંગણી સાથે આજે તા 13 મે 2019ના દિવસે અમદાવાદના વસ્ત્રાપુર ગાર્ડનના ડોમ ખાતે દેખાવો, ધરણાં, પત્રકાર પરિષદ અને આવેદનપત્ર તૈયાર કરવામાં આવશે. સમય સાંજે 4.30 થી 6 સુધી. આ પત્રકાર પરિષદમાં તમામ પ્રિન્ટ મીડિયા, ઈલેક્ટ્રોનિક મીડિયા, રેડિયો, સોશ્યિલ મીડિયા, વેબપોર્ટલ અને અન્ય તમામ રીતે પત્રકારત્વ ક્ષેત્રે જોડાયેલાં કર્મીઓને હાજર રહેવા અનુરોધ કરવામાં આવ્યો હતો..