રાજ્યમાં ચોમાસુ નબળું રહેવાની આગાહી, 15 જૂનને બદલે 20 જુલાઈએ…

અમદાવાદઃ વર્ષ 2018માં ગુજરાતમાં ઓછો વરસાદ પડ્યો હોવાના કારણે રાજ્યના અનેક જિલ્લાઓ અત્યારે પાણી માટે તરસી રહ્યાં છે. તો રાજ્ય સરકાર દ્વારા પાણીની અછતનો સામનો કરી રહેલા વિસ્તારોમાં પીવાનું પાણી પહોંચાડવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

તો હવામાન વિભાગ સિવાય ગ્રહ-નક્ષતોની યુતિ અને વનસ્પતિના લક્ષણોને આધારે પણ ચોમાસાની આગાહી કરવામાં આવે છે. આ બાબતોને આધારે કરવામાં આવેલી આગાહી નિરાશાજનક સમાચાર લાવી રહી છે. તેના આધારે એવી આગાહી કરવામાં આવી રહી છે કે આ વર્ષે ચોમાસું નબળું રહેશે. આ ઉપરાંત, ચોમાસું 15 જૂનને બદલે 20 જુલાઈએ ગુજરાતમાં આગમન કરશે.

આ વર્ષે એવો વર્તારો છે કે ચોમાસાની શરૂઆતમાં જ વરસાદ ખેંચાઈ જશે. ગુજરાતમાં 15 જુલાઈથી મધ્યમસર વરસાદના યોગ છે. આ તારણ વરસાદના ગર્ભ, હુતાસણીનો પવન અને અખાત્રીજના પવનના આધારે કરવામાં આવી રહ્યો છે. વર્તારા મુજબ, 15 સપ્ટેમ્બર બાદ સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં સારો વરસાદ પડી શકે છે.

ત્યારે એકબાજુ અત્યારે ગુજરાતમાં પાણીની તંગી છે અને જો વરસાદ ખેંચાય તો ખેડુતોને રાતા પાણીએ રોવાનો વારો આવી શકે છે. બીજી બાજુ જો વાત કરવામાં આવે તો, ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અત્યારે કમોસમી વરસાદ વરસી રહ્યો છે અને એના કારણે ખેડુતોનો પાક કેટલીક જગ્યાએ બગડ્યો છે. ત્યારે જો ચોમાસુ ખેંચાય તો ખેડુતો માટે પડ્યા પર પાટુ જેવી સ્થિતી થઈ શકે છે. તો બીજી તરફ રાજ્યમાં અનેક જળાશયો પણ એવા છે કે જ્યાં પાણી અત્યારે સાવ ઓછું છે અને એનેક લોકો રાજ્યમાં પાણીની તંગીનો સામનો કરી રહ્યા છે. ત્યારે જો વરસાદ ખેંચાશે તો ખેડુતો અને સામાન્ય માણસ સહિત તમામ લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.