અમદાવાદ : કોંગ્રેસના ગુજરાત એકમના નવનિયુક્ત પ્રમુખ જગદીશ ઠાકોરનો પદગ્રહણ કાર્યક્રમ આજે બપોરે અત્રે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયમાં યોજવામાં આવ્યો હતો. પક્ષમાં નવા પ્રાણ પૂરવા માટે અમિત ચાવડાની જગ્યાએ ઠાકોરને નવા પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા છે. જ્યારે વિરોધ પક્ષના નેતા તરીકેની જવાબદારી પરેશ ધાનાણીની જગ્યાએ સુખરામ રાઠવાને સોંપવામાં આવી છે.ગુજરાત કોંગ્રેસ પ્રમુખ તરીકે જગદીશ ઠાકોરના પદગ્રહણ સમારોહમાં ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ, હાર્દિક પટેલ, તુષાર ચૌધરી, જીજ્ઞેશ મેવાણી, અમિત ચાવડા, પરેશ ધાનાણી સહિત ગુજરાતના ગામેગામથી કોંગ્રેસી નેતાઓ અને કાર્યકરો ઉમટી પડ્યા હતા.
ગુજરાતમાં વર્ષોથી સત્તાથી દૂર રહેવાથી સુષુપ્ત થઈ ગયેલી કોંગ્રેસ પાર્ટીને ફરી બેઠી કરવા અને આવનારી વિધાનસભાની ચૂંટણીના મેદાનમાં પક્ષપલટુઓ અને વિરોધી તાકાત સામે ઉતરી લડી લેવાનું જગદીશ ઠાકોર તથા અન્ય નેતાઓએ કાર્યકર્તાઓને આવાહન કર્યું હતું.