ફાસ્ટટ્રેક ન્યાયઃ રેપ, હત્યા કેસમાં આરોપીને ફાંસીની સજા

સુરત: સુરતના પાંડેસરામાં માત્ર અઢી વર્ષની બાળકી સાથે બળાત્કાર અને હત્યા-કેસના આરોપીને કોર્ટે આકરી સજા સંભળાવી છે. કોર્ટે આરોપી ગુડ્ડુ યાદવને ફાંસીની સજા ફટકારી છે. સુરત અધિક સેસન્સ કોર્ટના જજ PS કાલાએ આરોપીને ફાંસીની સજા સંભળાવી છે. સરકારી પક્ષ દ્વારા અપીલ કરવામાં આવી હતી કે આ કેસ રેરેસ્ટ ઓફ રેર કેસની કેટેગરીમાં આવે છે, જેથી આરોપીને ફાંસીની જ સજા કરવી જોઈએ. કોર્ટે માત્ર 29 દિવસમાં ફાંસીની સજા ફટકારી છે.

પોલીસે અગાઉ આરોપીની ધરપકડના સાત દિવસની અંદર 15 નવેમ્બરે 264 પાનાંની ચાર્જશીટ દાખલ કરી હતી. આ બાળકીની ચોથી નવેમ્બરે અપહરણ, બળાત્કાર અને હત્યા કરવામાં આવી હતી અને સાત નવેમ્બરે તેનો મૃતદેહ મળી આવ્યો હતો. બીજા દિવસે CCTV ફુટેજને આધારે પોલીસે 35 વર્ષીય આરોપી ગુડ્ડુ યાદવની ધરપકડ કરી હતી.

રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું હતું કે ગણતરીના દિવસોમાં જ બાળકીને ન્યાય અપાવવામાં સફળતા મળી છે. પોલીસે ખૂબ ઉમદા કામગીરી કરીને માત્ર ગણતરીના સાત દિવસમાં જ ચાર્જશીટ રજૂ કરી હતી. આ હત્યા-કેસની તપાસમાં પોલીસે કડીઓ મેળવવા માટે વિસ્તારના 500થી વધુ સીસીટીવી કેમેરાના ફુટેજની તપાસ કરી હતી.
બળાત્કાર અને હત્યાનો ભોગ બનનાર અઢી વર્ષની બાળકીની માતાએ ચુકાદાને આવકાર્યો હતો. કોર્ટ પ્રાંગણમાં બાળકીની માતા રડી પડી હતી. તેણે ઝડપી ન્યાયને પણ આવકાર્યો હતો, જ્યારે બાળકીના પિતાએ કહ્યું હતું કે મારી દીકરીને ન્યાય મળ્યો છે. પોલીસ સહિતના તમામ વિભાગોએ ખૂબ સારી કામગીરી કરી છે. સરકારી વકીલને મેં માત્ર એટલું જ કહેલું કે સાહેબ મારી દીકરીને ન્યાય અપાવજો.