PM મોદીને BAPS હિંદુ મંદિરના ઉદઘાટન માટે આમંત્રણ

અમદાવાદઃ અબુ ધાબીમાં BAPS હિંદુ મંદિર વતી, પૂજ્ય સ્વામી ઈશ્વરચરણદાસ અને સ્વામી બ્રહ્મવિહારીદાસે મંદિરના આગેવાનો સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને 14 ફેબ્રુઆરી, 2024એ યોજાનારા ઉદઘાટન સમારોહ માટે હાર્દિક આમંત્રણ પાઠવ્યું હતું. વડા પ્રધાન મોદીએ આ આમંત્રણનો સહર્ષ સ્વીકાર કર્યો હતો અને આ ઐતિહાસિક અને પ્રતિષ્ઠિત મંદિર માટે ઉત્સાહપૂર્ણ સમર્થન વ્યક્ત કર્યું હતું.

BAPS ના વરિષ્ઠ સંત પૂજ્ય સ્વામી ઈશ્વરચરણદાસે પરંપરાગત રીતે વડા પ્રધાનને હાર પહેરાવી અને ખભે કેસરી શાલ ઓઢાડીને તેમનું સન્માન કર્યું હતું. ભારતમાં યાત્રાધામોના નોંધપાત્ર નવીનીકરણ અને વિકાસની અભૂતપૂર્વ સિદ્ધિ માટે વડા પ્રધાનને સંતોએ બિરદાવ્યા હતા.

BAPS પ્રતિનિધિ મંડળે વડા પ્રધાન મોદીજીના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી તેમ જ તેમના નેતૃત્વએ વિશ્વભરના ભારતીયોમાં જે ગૌરવ અને પ્રેરણા જન્માવી છે તેની પણ ચર્ચા કરી હતી. પૂજ્ય સ્વામી બ્રહ્મવિહારીદાસે વડા પ્રધાનને અબુ ધાબીમાં BAPS હિંદુ મંદિરના નિર્માણ અંગેની માહિતી આપી હતી.

વડા પ્રધાને ઉમેર્યું હતું કે આ મંદિર વસુધૈવ કુટુંબકમના આદર્શને પ્રતિબિંબિત કરશે – એક એવું આદર્શ આધ્યાત્મિક સ્થાન, જે માત્ર માન્યતાઓ અને પરંપરાઓ જ નથી દર્શાવતું,  પરંતુ વિવિધ સંસ્કૃતિઓના સંગમરૂપ પણ છે. આ મુલાકાતમાં ભારતના આધ્યાત્મિક વિકાસ અને વૈશ્વિક આગેવાની માટે વડા પ્રધાને પોતાના વિચારો રજૂ કર્યા હતા. પૂજ્ય સ્વામી ઈશ્વરચરણદાસ અને સ્વામી બ્રહ્મવિહારીદાસ બંનેએ વડા પ્રધાનના સ્વાસ્થ્ય અને તેમના મહાન નેતૃત્વ અને દેશની સતત સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.