સરદાર સરોવરમાં પાણીની આવક, ડેમના 9 દરવાજા ખોલાયા

રાજ્યમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે સાર્વત્રિક વરસાદ નોંધાય રહ્યો છે. ત્યારે ભારે વરસાદના પગલે ગુજરાતના તમામ જળાશયોમાં પાણીની સારી આવક જોવા મળી રહી છે. તો ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સારી આવક હોવાથી ડેમના 9 દરવાજા ખોલવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર ગઈકાલે તારીખ 11 ઓગસ્ટના નર્મદાના ડેમના 30 માંથી 9 ગેટ ખોલવામાં આવ્યા. ડેમમાથી 1.35 લાખ કયુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવતા ૩ જિલ્લાની નદી કાંઠાના ગામોને સતર્ક કરવામાં આવ્યા છે.

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની સારી આવક નોંધાય છે. ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશના ઇન્દિરાસાગરના 12 અને ઓમકારેશ્વરના 15 દરવાજા ખોલી સરદાર સરોવરમાં પાણી છોડતા ડેમમાં સપાટી વધી જતા રવિવારે સવારે 6 વાગ્યે ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હતા. ડેમમાંથી 134011 કયુસેક પાણી છોડવામાં આવ્યું હતું. ઉપરવાસમાંથી સરદાર સરોવરમાં પાણીની આવક 309127 કયુસેક થતા ડેમના 9 દરવાજામાથી 90 હજાર કયુસેક અને રીવરબેડ પાવર હાઉસમાંથી 43 હજાર કયુસેક પાણી નદીમાં ઠલવાતા હાલ નદી બે કાંઠે વહી રહી છે.

સરદાર સરોવરમાંથી પાણીની આવક નોંધાય હતી. ત્યારે ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. નર્મદા નદીમાં પાણી આવક થવાથી સલામતી અને સાવચેતીના ભાગ રૂપે વડોદરા નર્મદા અને ભરૂચ જિલ્લાના કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત તંત્રની તકેદારી સાથે નદી કાંઠે પોલીસ બંદોબસ્ત અને પેટ્રોલિંગ પણ ગોઠવી દેવાયું છે.