અમદાવાદઃ ઉત્તરાયણને આડે હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. પરંતુ આજે સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હોવાથી પતંગ રસિયાઓમાં નિરાશા વ્યાપી ગઈ છે. રાજ્યમાં ક્યાંક ધુમ્મસ તો ક્યાંક વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જેના કારણે અમદાવાદ સહિત વડોદરા, સુરત અને રાજકોટના પતંગ બજારના વેપારીઓ પણ ગ્રાહકોની રાહ જોઈ રહ્યા છે. ગ્રાહકો પણ આ વર્ષે મોંઘવારીની સાથે વાતાવરણમાં પણ પલટો આવતા અને વરસાદની આગાહી થતાં દર વર્ષની જેમ આ વર્ષે પતંગની ખરીદીમાં પણ ઢીલા પડ્યા છે. તે જોતા વેપારીઓનું માનવું છે કે, મોંઘવારીનો તો માર હતો તેની સાથે હવામાને પણ અમારો ધંધો બગાડી દીધો છે.
તો પતંગ દોરીના બજારમાં આ વર્ષે મંદીના માહોલ વચ્ચે આજે છેલ્લા દિવસે અમદાવાદના સૌથી મોટા પતંગ બજાર એવા કાલુપુર ટંકશાળ, દિલ્લી દરવાજા અને રાયપુર બજારમાં પતંગરસિયાઓ ભારે ભીડ જામી છે. ગઈકાલે રવિવારે રજાનો દિવસ હોવાથી પતંગ બજારમાં ભારે ભીડ જામી હતી. આજ સવારથી બજારમાં ખરીદીનો માહોલ જામ્યો છે. પતંગ બજારમાં આ વર્ષે અવનવી પતંગ જોવા મળી રહી છે. બાળકો માટે કાર્ટુન્સની પતંગ, મોદી અને અમિત શાહની પતંગનો લોકોમાં વધુ ક્રેઝ જોવા મળ્યો છે.
શહેરના મુખ્ય બજારો એવા રાયપુર દરવાજા, ટંકશાળ, દિલ્હી દરવાજા સહિતના સ્થળોએ આજે મોડી રાત સુધી ખરીદી માટે ભીડ જામશે. અલગ અલગ જાતના અને જુદીજુદી વેરાઇટીના પતંગો હોય છે. ખંભાતીગોળ ઢાલ, જોધપુરી ઢાલ, ચાઇનીઝ- પ્લાસ્ટિકના પતંગ અને મોદીના ચહેરાવાળા પતંગોનું વેચાણ વધુ જોવા મળ્યું છે. તુક્કલ અને ફુગ્ગાઓનું તેના વર્ગ પ્રમાણે સારુ એવું વેચાણ થઇ રહ્યું છે. આ જ પ્રકારે દોરીના ભાવોમાં પણ 20થી 25 ટકાનો ભાવવધારો નોંધાયો છે. હાથથી ઘસેલી દોરી અને ડોઘલામાં રંગાતી દોરીના ભાવોમાં પણ તે પ્રમાણેનો વધારો જોવા મળી રહ્યો છે.
વડોદરાના પતંગ બજારમાં ઉત્તરાયણના 10 દિવસ પહેલાથી જ લોકો પતંગો સહિતની ખરીદી માટે લોકો ઉમટી પડતા હોય છે. ઉત્તરાયણ આગલા દિવસે હજારોની સંખ્યામાં લોકો પતંગ-દોરાની ખરીદી માટે ઉમટી પડે છે. શહેરના માંડવીથી ગેંડીગેટ રોડ પર પતંગોનું મોટું બજાર ભરાય છે અને રાત્રે 12 વાગ્યાથી પતંગોની હરાજી શરૂ થાય છે. જે વહેલી સવાર સુધી ચાલે છે. ચાર દરવાજા વિસ્તારમાં પતંગોનો મોટો વ્યવસાય છે. જોકે, વડોદરાનો વિકાસ અને વિસ્તાર વધતા હવે શહેરના હરણી રોડ, રાવપુરા રોડ, વાઘોડિયા રોડ, દિવાળીપુરા, રેસકોર્ષ સર્કલ, કારેલીબાગ મુક્તાનંદ ચાર રસ્તા, તરસાલી, માંજલપુર, ગોત્રી, સુભાનપુરા સહિતના વિસ્તારોમાં પતંગ બજારો શરૂ થઇ ગયા છે. વડોદરા શહેરમાં ઉતરાયણ નિમિત્તે અંદાજ પ્રમાણે રૂ.15થી રૂ.20 કરોડની પતંગો વેચાય છે. આ ઉપરાંત લોકોએ ટોપી, ગુંદરપટ્ટી, પિપૂડાં અને ચશ્મા, ટોપા વગેરે ખરીદવા માટેની ઉમટી પડે છે.